ગાંધીધામ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં દબાણ અને કંપનીઓ દ્વારા થતા ઓવરલોડ પરિવહન જેવા અનેક મુદે સંકલન બેઠકમાં રજૂઆત
ભુજ : ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તાર ગાંધીધામનું પ્રવેશદ્વાર ગણાય છે. આ વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર દબાણ બને તેટલું ઝડપી હટાવવા ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિત ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યેએ આ અંગે સંકલન બેઠકમાં રજુઆત કરી હતી.
કલેટકર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષપદે આજે મળેલી સંકલન સમિતિની બેઠકમાં વધુમાં ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ શહેરમાં ઘન-કચરાનો પ્રશ્ન વિકટ હોવાનું જણાવી ઘન-કચરાનો ઝડપી નિકાલ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવા ભારપૂર્વક રજુઆત કરી હતી. કચ્છના થાન, ધીણોધર અને પુંવરેશ્વર જેવા પ્રવાસન અને ધાર્મિક સ્થળોનો વિકાસ બને તેટલો ઝડપી થાય તે માટે અબડાસાનાં ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા સહિત ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યએ જરૂરી કાર્યવાહી થવા સંકલન બેઠકમાં રજુઆત કરી હતી. આ ઉપરાંત અબડાસા વિસ્તારના વિવિધ પ્રશ્નો જેવા કે અબડાસા વિધાનસભા મતવિસ્તારમાં કંપનીઓમાં ઓવરલોડ પરિવહન સામે પગલા ભરવા પણ તંત્રને જણાવ્યું હતું. જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેન વસંતભાઇ વાઘેલાએ નખત્રાણા તાલુકાનાં લક્ષ્મીપર (નેત્રા) છેલ્લા ૬ મહિનાથી ગામની લાઇટનો કોલ ભરેલ હોવા છતાં આ કામ કયારે પૂર્ણ કરવામાં આવશે તેની વિગતો જાણવા માગી હતી.
જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.એ સંકલન બેઠકમાં અધિકારીઓને પુરતી તૈયારી અને માહિતી સાથે આવવા નિર્દેશ આપ્યો હતો. ઓવરલોડ પરિવહન પર અંકુશ રાખવા જરૂર જણાયે અચાનક ચેકીંગ કામગીરી હાથ ધરવા સબંધિત વિભાગોને નિર્દેશ આપ્યો હતો.
બીજા તબકકાની અધિકારીઓની બેઠકના પ્રારંભે અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્શન કેસો તૈયાર કરવા બાબત, સરકારી વસુલાત, સીએમ ઓનલાઇન, લોકફરિયાદ નિવારણ, સરકારી માધ્યમિક શાળાઓ માટે જમીન ફાળવવા બાબત તેમજ ધંધાકીય ગેરકાયદેસર દબાણમાં વિજ કનેકશન ન આપવા જેવી બાબતોમાં અધિકારીઓને સમયસર ફોલોઅપ આપવા અનુરોધ કર્યો હતો. જિલ્લા આયોજન અધિકારી મહાવીરસિંહ રાઓલએ જિલ્લા આયોજન મંડળ હેઠળ આવતા જિલ્લામાં વિવિધ કામો તાત્કાલિક પુરા કરવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં સિવિલ સર્જન ડો.કશ્પય બુચ, ઈન્ચાર્જ ભુજ પ્રાંત અને સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર એસ.એમ.કાથડ, નખત્રાણા પ્રાંત અધિકારી ગોવિંદસિંહ રાઠોડ, ભચાઉ પ્રાંત અધિકારી પી.એ.જાડેજા, અબડાસા પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, અંજાર પ્રાંત અધિકારી વી.કે.જોશી, અબડાસા પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, વન વિભાગના ડીસીએફ અસારી, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.પ્રજાપતિ, માર્ગ અને મકાન વિભાગના જે.એમ.સોલંકી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.