કચ્છનો મુસ્લિમ સમાજ CAA, NRC અને NPR વિરૂદ્ધ સવિનય કાનૂન ભંગની લડત ચલાવશે
ગાંધીધામ : સમગ્ર દેશમાં CAA, NRCના વિરોધમાં પ્રદર્શન થયા અને હજી પણ ચાલુ છે. કચ્છ જિલ્લામાં પણ તેની અસર તળે CAA, NRCના વિરોધ અને સમર્થનમાં કાર્યક્રમો અને રેલીઓ યોજાઇ, ત્યારે CAA, NRC અને NPR ના વિરોધમાં કચ્છનો મુસ્લિમ સમાજ સવિનય કાનુન ભંગની લડત ચલાવશે તેવું મુસ્લિમ કોંગ્રેસી અગ્રણી હાજી જુમા રાયમાએ જણાવ્યું છે.
તેઓએ જણાવ્યું છે કે સમગ્ર ભારત દેશમાં આ મુદે તમામ ધર્મ અને સંપ્રદાયના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે અમે પાછળ નહીં હટીએં અને સરકાર NRC લાગુ કરવા NPR દ્વારા માહિતી એકત્ર કરી પોતાની મેલી મુરાદ પુરી કરવા માંગે છે. સમગ્ર ગુજરાતના મુસ્લિમ આગેવાનો દ્વારા આ મુદે સવિનય કાનૂન ભંગની લડત ચલાવવા નક્કી કરાયું છે. ત્યારે કચ્છનો મુસ્લિમ સમાજ પણ સવિનય કાનુન ભંગ દ્વારા વિરોધ કરી લડતના મંડાણ કરશે. ટુંક સમયમાં કચ્છ જિલ્લાના જવાબદાર અગ્રણીઓની મીટીંગ બોલાવવામાં આવશે અને તમામ ધાર્મિક-સામાજિક આગેવાનોને તેમજ અન્ય સમાજોને સાથે રાખી ” કાગજ નહીં દીખાએંગે, સંવિધાન બચાએંગે” ના નારા સાથે CAA, NRC અને NPR ના વિરોધમાં સવિનય કાનૂન ભંગની લડત ચલાવવામાં આવશે. ટુંક સમયમાં આ મુદે ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
આ ગેર બંધારણીય કાયદો નાગરિકો પર બળ જબરીથી થોપવામાં આવી રહ્યો છે ત્યારે નાગરિકો પાસે એકમાત્ર વિકલ્પ એ જ છે કે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી સવિનય કાનૂન ભંગ દ્વારા આ કાયદાના વિરોધમાં લડત ચલાવવામાં આવે તેવું અખબારી યાદીમાં જણાવ્યું છે.