ઉદ્દઘાટનો માંથી સમય કાઢી રાજયમંત્રી સાહેબ પોતાના મત વિસ્તારના જર્જરીત રસ્તાઓની મુલાકાત લે : વી. કે. હુંબલ
ભુજ : અંજાર વિધાનસભા મત વિસ્તારમાં નવા કામો મંજુર થાય કે રીનોવેશનના કામ મંજુર થાય ત્યારે રાજયમંત્રી વાસણ આહિર ખાત મૂહૂર્ત માટે તાત્કાલીક પહોંચી જાય છે પરંતુ અંજાર વિધાનસભા મત વિસતારમાં ગણા રસ્તાઓ જર્જરીત છે. માટે જયારે ઉદઘાટનનો માંથી સમય મળે ત્યારે તેમના જ મત વિસતારમાં જર્જરીત પડેલ રસ્તાઓની પણ મુલાકત રાજયમંત્રીએ લેવી જોઇએ તેવી વી. કે. હુંબલે માંગ કરી છે.
કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી. કે. હુંબલે જણાવ્યું છે કે અંજાર વિધાનસભા મત વિસ્તારમાં કુકમા લાખોંદથી કાલીતલાવડી રોડ, વડઝર થી ટપ્પર સુધી રોડ, કોટડા પાટીયાથી નવાગામ સુધી રોડ, ચંદીયા થી ભલોટ નો રોડ, જુના ટપ્પર ગામનો એપ્રોચ રોડ, કુકમા થી કોટડા ઉગમણા સુધી રોડ, લાખાપર થી ભીમાસર રોડ, પધ્ધરથી કાલીતલાવડી રોડ આ તમામ રોડો હાલમાં જર્જરીત હાલતમાં છે. આ રોડોની દયનીય હાલતના કારણે અવારનવાર અકસ્માતો થતા રહે છે. આ રસ્તાઓનો રી-સર્ફેસીંગ પણ થયો નથી. ભાજપના નેતાઓ ફકત વિકાસના બણગા ફુંકે છે.
મોટાભાગના રસ્તાઓ કોંગ્રેસની સરકાર વખતે બનેલા છે. આ રસ્તાઓને ભાજપ સરકાર સમય મર્યાદામાં રી-સર્ફેસીંગ પણ કરાવી શકી નથી. ફકત ગણ્યા ગાંઠયા રસ્તાઓ બનાવી વિકાસના દાવાઓ કરે છે. જે નવા કામો થયા છે તે પણ લોટ-પાણી ને લાકડા જેવા તકલાદી થયા છે. માટે રાજયમંત્રી પોતાના મત વિસ્તારના ખરાબ રસ્તાઓ તત્કાલ રીપેર કરાવી લોકોને પડતી હાલાકી દૂર કરે તેવી માંગ કરવામાં આવી છે.