કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ VC ભરતી પ્રક્રિયા હાથ ધરી શકે, તો સેનેટ ચુંટણીની પ્રક્રિયા કેમ નહીં ?
ભુજ : કચ્છ યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી વાઇસ ચાન્સેલરની જગ્યા તેમજ સેનેટની ચુંટણી ન થવા જેવા અનેક મુદે વિવાદોમાં સપડાઈ છે. હાલમાં યુનિવર્સિટી દ્વારા 12 જેટલા અધ્યાપકોની ભરતીની જાહેરાત કરાતાં આ મુદે ફરી આક્ષેપો ઉઠી રહ્યા છે.
આ મુદે વિરોધ દર્શાવતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ દિપક ડાંગર તથા ડો. રમેશ ગરવાએ જણાવ્યું છે કે યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરની નિમણૂંક કરવા મુદે અનેક વખત વિવિધ સંગઠનો તેમજ રાજકીય, સામાજિક આગેવાનો દ્વારા શિક્ષણમંત્રી થી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાઇ છે. કચ્છના વિદ્યાર્થીઓના ભાવી માટે હાલમાં બીન શૈક્ષણીક ભરતી કરવી જરૂરી છે, ત્યારે આ દિશામાં સરકારને કોઈ કામગીરી કરવામાં રસ નથી. યુનિવર્સિટી દ્વારા 12 જેટલા અધ્યાપકોની ભરતી પ્રક્રીયા જાહેર કરવામાં આવી છે. આ પ્રક્રિયા યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર દ્વારા કરવામાં આવશે, ત્યારે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર દ્વારા સેનેટની ચુંટણી શું કામ યોજાતી નથી ? તેવો સવાલ કરાયો છે. આ ભરતી પ્રક્રીયામાં રોસ્ટરના નિયમોને નેવે મુકી દેવામાં આવ્યા છે. જેથી એક ચોકકસ વર્ગ તથા ફેકલ્ટીના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે.
આ તમામ બાબતો ધ્યાને લઇ રોસ્ટરના નિયમોને નેવે મુકી કરાતી મલાઇદાર ભરતીમાં રસ લેવા કરતાં વાઇસ ચાન્સેલરની નિમણૂંક તેમજ સેનેટની ચૂંટણી કરાવવાના કામોને પ્રાથમિકતા આપવી જોઈએ તેવી ટકોર કરવામાં આવી છે. જો આ મુદે યોગ્ય નહીં થાય તો નામદાર કોર્ટમાં કાયદાકીય જંગ છેડવાની ચીમકી પણ પૂર્વ સેનેટો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.