ભુજમાં CAA અને NRC ના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા
ભુજ : કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં બહુમતીથી પસાર કરાયેલા નાગરીકતા કાયદો અને NRC ના વિરોધમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા અપાયેલા રેલીના આહવાનને પગલે ભુજના હમીરસર તળાવ પાસે છતરડી વાળા તળાવ ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. અને નાગરિકતા કાયદો અને NRC એ દેશના બંધારણ વિરૂધ્ધ હોવાનો સુર વ્યકત કર્યો હતો. કચ્છના શહેરો અને ગામો માંથી સવારના દશ વાગ્યે થી જ અલગ અલગ જુથો સ્વરૂપે ભીડ એકત્ર થયા બાદ કાર્યક્રમ સભામાં ફેરવાયો હતો તથા વિવિધ સંસ્થાઓ સમાજો અને રાજકીય અગ્રણીઓએ પોતાના સંબોધનમાં કેન્દ્ર દ્વારા તૈયાર કરાયેલા બંને કાયદા દેશના હિતમાં ન હોવાથી તેના પ્રત્યે સખત વિરોધ દર્શાવ્યો હતો. સમિતી દ્વારા આયોજીત આ રેલીને વિવિધ સંસ્થાઓ અને સંગઠનોએ ટેકો આપ્યો હતો. જેમાં ભીમ આર્મી, બહુજન સમાજ પાર્ટી, બામસેફ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ, કચ્છ હિતરક્ષક સમિતિ વગેરે દ્વારા રેલીને સમર્થન અપાયું હતું. સભા સ્થળે વક્તાઓએ આકરા શબ્દોમાં ધર્મના આધારે બનેલા કાયદાનો વિરોધ કરી સરકારની નીતિઓની ઝાટકણી કાઢી હતી. મુસ્લીમ સમાજના અગ્રણી આદમ ચાકીએ સ્વાતંત્ર્ય સંગ્રામની યાદ અપાવી વિભાજન કારી નીતિઓ સામે લડતનું આહવાન કર્યું હતું. મુસ્લીમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમાએ પોતાના સંબોધનમાં આ બંન્ને કાયદાઓનો વિરોધ કરી અને અંગ્રેજોની સામે મુસ્લિમોએ ચલાવેલ લડતની યાદ અપાવી હતી. ભીમ આર્મી, બામસેફ, બી.એસ.પીના કાર્યકરો દ્વારા ઉગ્ર ભાષણો કરાયા હતા. સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રાએ તમામ સંસ્થાઓ સંગઠનો અને આગેવાનો પ્રત્યે આભાર વ્યકત કરી આ મુદે ભવિષ્યમાં જરૂર પડશે તો અન્ય કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવી ચીમકી સાથે અન્યાય કારી નીતિઓ મુદે જાગૃત રહી સંગઠિત બનવાની અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટર કચેરીએ આગેવાનોના પ્રતિનિધિ મંડળે કલેકટરને આવેદન પત્ર આપ્યા બાદ રેલી પૂર્ણ થઇ હતી.
ઉપરોક્ત બંન્ને કાયદાઓને લઇને દેશના વિવિધ ભાગોમાં હિંસક પ્રદર્શનોને જોતા ભુજમાં આજની રેલીના પગલે વહીવટી તંત્ર અને પશ્ચિમ કચ્છ પોલીસે આગોતરી તૈયારી સાથે રેલીના રૂટ પર ચૂસ્ત બંદોબસ્ત તેમજ વજ્ર, વરૂણ અને પોલીસ વાહનોનો મોટો કાફલો ખડકી દીધો હતો.