ભુજમાં પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ અને થરાદના ધારાસભ્યનો સત્કાર સમારોહ યોજાયો

665

ભુજ : શહેરના હોસ્પિટલ રોડ સ્થિત આંબેડકર ભવન ખાતે કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ અને થરાદ વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણીમાં જીત મેળવનાર ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતનું સન્માન સમારોહ યોજવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસના આગેવાનો હરીસિંહ જાડેજા, ઉમર સમા, જુવાનસિંહ જાડેજા, અભુ હીંગોરા, અબ્દુલહમીદ સમાએ ગુલાબસિંહ રાજપુતનું પાઘડી તેમજ તલવાર વડે સન્માન કર્યું હતું. ત્યાર બાદ મંચ પર ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ અને ચુંટાયેલા પ્રતિનિધિઓનું યુથ કોંગ્રેસના કાર્યકરોએ સન્માન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પોતાના વકતવ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબુત કરી પ્રજા વચ્ચે જઇ પ્રજાની સમસ્યા મુદે લડત ચલાવવા આહવાન કર્યું હતું. તેમજ 15 વર્ષથી ભાજપ જે સીટ પર જીત દર્જ કરાવતી હતી તે સીટ પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુતે જે પ્રકારે કાર્યકરો સાથે સંકલન કરી અને થરાદ વિધાનસભાના ગામે-ગામ ફરી, પ્રજા વચ્ચે જઇ લોકોના દીલ જીત્યા તેમાંથી કચ્છ કોંગ્રેસના કાર્યકરોને પ્રેરણા લેવા જણાવ્યું હતું. તેમજ ધારાસભ્ય તરિકે ચુંટાયા બદલ ગુલાબસિંહ રાજપુતને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે જણાવ્યું હતું કે થરાદની જીત કોંગ્રેસના કાર્યકરો અને યુવાઓની મહેનત થકી મળી છે. કોંગ્રેસ માટે 70000 મત માઇનસ રહેલી સીટ જે કોઇએ વિચાર્યું ન હોય કે આ સીટ જીતી શકાય, એવી સીટ પર કોંગ્રેસ પક્ષના સૌ કાર્યકરો તેમજ યુથ કોંગ્રેસના કાર્યકરોની મહેનતથી જીત હાસલ થઇ છે. આવનારા સમયમાં યુથ કોંગ્રેસની સમગ્ર સમિતિ પ્રદેશ કોંગ્રેસના આદેશ મુજબ નવી બનાવવાની હોઇ સારૂં કામ કરનાર અને પક્ષને વફાદાર કાર્યકરને તક આપવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું કે મારો માણસ અને તારો માણસ ન કરીએ, આવનારી તાલુકા-જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અત્યારથી જ કામે લાગી જવા હાકલ કરી હતી. કોઈ પણ સાચા માણસ અથવા કાર્યકરને ભાજપ સરકાર વતી ક્યાંય પણ અન્યાય થયો હશે તો તેના પડખે ઉભા રહી ન્યાય આપાવવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય હઠુભા સોઢા, પ્રદેશ મંત્રી રફીક મારા, પૂર્વ પ્રદેશ મંત્રી નવલસિંહ જાડેજા, સીનીયર આગેવાન ચંદુભા ઝાલા, ભુજ નગરપાલિકાના રાજેન્દ્રસિંહ જાડેજા, કાઉન્સીલર ફકીરમામદ કુંભાર, કાસમ સમા, વીથ કોંગ્રેસ પ્રમુખ માનસી શાહ સહિતના કોંગ્રેસ અગ્રણીઓ તથા યુથ કોંગ્રેસના કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન અભુ હિંગોરા, સંચાલન એચ. એસ. આહિર અને આભાર વિધી વીજય બડીયાએ કરી હતી.

Get real time updates directly on you device, subscribe now.