અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં સાંસદ અને ધારાસભ્યએ જે ટ્રોમા સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું એ કયાં છે ? : રફીક મારા
ભુજ: લાંબા સમયથી વિવાદોમાં રહેલી અને છેલ્લે નજીકના ભુતકાળમાં સારવાર મામલે પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાયેલી જી.કે.જનરલ હોસ્પિટલ સરકાર સાથે થયેલા કરારો મુજબ આધુનિક આરોગ્ય સેવા આપવામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે કચ્છના પ્રદેશ યુવા અગ્રણી રફીક મારાએ ભુજમાં ટાઉનહોલ પાસે યોજેલ ઉપવાસ સાથેનાં પ્રતિક ધરણાંમાં કચ્છના ખુણે ખુણેથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતા અને વિશાળ વિસ્તાર ધરાવતા કચ્છમાં એકમાત્ર સરકારી હોસ્પિટલ પણ અદાણી જૂથના હવાલે કરી દેવાતા કચ્છના દર્દીઓની પીડાનો અંત ક્યારે આવશે તેવા સવાલ શ્રી રફીક મારાએ ઉઠાવ્યા હતા.તેમણે વધુમાં કહ્યું કે કચ્છીઓ પોતાનાં આરોગ્ય અધિકાર માટેની મારી લડતમાં વિઘ્નો નાખવા પોલીસ તંત્રનો ઉપયોગ કરાયો હતો પરંતું મોટી સંખ્યામાં ઉપસ્થિત મેદની દર્શાવે છે કે કચ્છના લોકો ઉચ્ચ આરોગ્ય સેવા ઝંખે છે.અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છના હિતની આ લડતમાં દરેક કચ્છીએ જોડાવું જોઇએ તેમ જણાવીને અદાણીના સંચાલન પર પ્રહારો કર્યા હતા. ટ્રોમા સેન્ટર, કાર્ડિયોલોજીસ્ટ,કિડનીના સ્પેશ્યાલિસ્ટ, કેન્સરની સારવાર, દવાઓ વગેરેની ખોટ હજુ સુધી દેશની ખ્યાતનામ ખાનગી પેઢી જી.કે.હોસ્પિટલને આપી શકી નથી. સારી સારવાર માટે કચ્છીઓએ ક્યાં સુધી અમદાવાદ-રાજકોટના ધક્કા ખાવા પડશે? તેવા અણિયાળા પ્રશ્ન ઉઠાવી રફીક મારાએ અદાણી મેનેજમેન્ટને ભીડવવાના પ્રયાસ કર્યા હતા.ધરણાં વચ્ચે જીલ્લા કલેક્ટરને મળવા જતી વખતે કલેકટર કચેરીના સંકુલને સમર્થકોએ “કચ્છ જાગે… અદાણી ભાગે”ના સૂત્રોચ્ચારથી માહોલ ગજવ્યો હતો.સાંજે પાંચ વાગ્યે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જી.પં.ના વિપક્ષી નેતા વી.કે.હુંબલ, ધર્મેન્દ્ર ગોહિલ તથા વહાબ મમણે પારણા કરાવ્યા હતા.
આ કાર્યક્રમમાં બન્ની વિસ્તારનાં આગેવાન જુમા ઇશા નોડે, આહિરપટ્ટીના સામાજિક કાર્યકર એચ. એસ. આહિર હાજર રહ્યા હતા. ઉપરાંત પૂર્વ સેનેટ રમેશ ગરવા, પૂર્વ ઇ.સી. મેમ્બર હરીસિંહ જાડેજા, યુ. એસ. સમા, ચંદુભા ઝાલા, જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઇ આહીર, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ નરેશ મહેશ્વરી વગરે આગેવાનોએ પોતાના વકતવ્યમાં આ લડતને ટેકો આપ્યો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય વિષયક સંસ્થાઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, સરપંચો, સામાજિક આગેવાનો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ કાર્યક્રમનું સંચાલન દિપક ડાંગર, સ્વાગત પ્રવચન માનસી શાહે તથા આભાર વિધી આકીબ સમાએ કરી હતી. આયોજન વ્યવસ્થા મુબારક મોકરસી, સહેજાદ સમા, હિતાંસુ ઠકકર, વસીમ સમા, વીજય બળીયા, રફીક ઘાંચી, જુઝારદાન ગઢવી, રસીકબા જાડેજા, ઇમરાન રાઠોડ, અંજલી ગોર, સતાર મોખા, ભાવના મહેશ્વરી વિગેરેએ સંભાળી હતી.