GK જનરલ હોસ્પિટલ મુદે ડો. નીમાબેન ના નિવેદન બાદ ફરી સર્જાયું રાજકીય દંગલ

2,200

ભુજ : તાલુકાના ખાવડા મધ્યે આયોજીત સ્વૈચ્છિક સંસ્થાના એક કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી આદમ ચાકીએ અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલ મુદે જાહેર વક્તવ્યમાં ઉઠાવેલા મુદાઓ અને ત્યાર બાદ તેના પ્રત્યાઘાતમાં ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ હોસ્પિટલને લઇને પોતાના ભાષણમાં કરેલા નિવેદનોથી જી. કે. જનરલ હોસ્પિટલ મુદે ફરી રાજકારણ ગરમાયો છે.

ખાવડા મધ્યેના એક કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણીએ નીમાબેન આચાર્યને સંબોધીને જી. કે જનરલ હોસ્પિટલ માટે સરકારે બનાવેલી સમિતિ જેના ચેરમેન જીલ્લા કલેક્ટર છે, તેને સક્રીય કરવા અને હાઇકોર્ટના આદેશનું પાલન કરવા ટકોર કરી હતી. ત્યાર બાદ ડો. નીમાબેને આદમભાઈના પ્રહારોનું જવાબ આપતી વખતે જણાવ્યું હતું કે 150 કરોડની જી. કે. જનરલ હોસ્પિટલનું સંચાલન સંભાળવા કોઈ તૈયાર ન હતું. અમદાવાદના ડોકટરો કચ્છ આવવા તૈયાર ન હતા. છેવટે તત્કાલીન સી.એમ. અને વર્તમાન પી.એમ. નરેન્દ્રભાઈ મોદીના દબાણના લીધે અદાણીએ જી. કે. જનરલ હોસ્પિટલનું સંચાલન હાથમાં લીધું. તેમના આ નિવેદનને લઇને તાજેતરમાં જ અદાણી મેનેજમેન્ટ વિરૂદ્ધ ધરણા કાર્યક્રમ આપી ચુકેલા કોંગ્રેસના યુવા અગ્રણી રફીક મારાએ આકરી પ્રતિક્રિયાઓ આપતા આ મુદે રાજકારણ ગરમાયો છે. રફીક મારાએ જારી કરેલ એક યાદીમાં ધારાસભ્ય નીમાબેન પર પ્રહાર કરતા જણાવ્યું છે કે તત્કાલીન રાજય સરકાર આધુનીક એવી જી. કે. જનરલ હોસ્પિટલનું સંચાલન કરવામાં સમર્થ ન હતી. અને ખુદ તત્કાલીન સી.એમ. ને જી. કે. જનરલ હોસ્પિટલના સંચાલન માટે અદાણી પાસે આજીજી કરવી પડી હતી, તે વાતનો સ્વિકાર ખુદ નીમાબેન કરી ચુક્યા છે ત્યારે મારા ધરણા કાર્યક્રમમાં ઉમટેલી પ્રજા કથળેલી આરોગ્ય સેવાથી પીડિત છે.

રફીક મારાએ પડકાર ફેંકતા જણાવ્યું કે ડો. નીમાબેન ઇમાનદારીથી જણાવે કે શું અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં કીડની, કેન્સર, હ્રદયરોગ જેવી ગંભીર બીમારીઓના સ્પેશ્યાલિસ્ટ ડોકટરો સેવા આપે છે ? ઉપરાંત ખૂદ તેમણે જેનું બબ્બે વખત ઉદઘાટન કર્યું તે ટ્રોમા સેન્ટર કાર્યરત છે ? વગેરે જેવા આકરા સવાલો પુછતાં શાંત પડી ગયેલો આ મુદો ફરી ચર્ચામાં આવી ગયો છે.

Get real time updates directly on you device, subscribe now.