નર્મદા કેનાલ, સ્મૃતિ વન, ભુજોડી ઓવરબ્રિજ જેવા કામમાં વિલંબ પ્રત્યે CM ની નારજગીથી “ગતિશીલ ગુજરાત” માં કચ્છના તંત્રની નિષ્ક્રીયતા છતી થઇ
ભુજ : આજે એક દિવસની કચ્છ મુલાકાતે આવેલ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિકાસ કામો બાબતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્મૃતિવન પ્રોજેકટ, નર્મદા કચ્છ બ્રાંચ કેનાલ, ગ્રાસલેન્ડ ડેવલપમેન્ટ, ભુજોડી બ્રીજ ડેવલપમેન્ટ અને શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ પાસેથી કામોની પ્રગતિ બાબતે સમીક્ષા હાથ ધરી પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ ભુજીયા ડુંગર પરના સ્મૃતિવન પ્રોજેકટ મુદે વધુ મેનપાવર સાથે પ્રોજેકટના કામમાં ઝડપ લાવવા નિર્દેશ આપી સુનિશ્ચિત સમયમાં કામ પૂર્ણ થવું જોઇએ તે બાબતે મીકેનીઝમ ગોઠવવા આદેશ કર્યા હતા.
કચ્છ બ્રાંચ કેનાલના કામો તેમજ મોડકુબા સુધી નર્મદા કેનાલના કામોની પ્રગતિની બાબતે સમીક્ષા કરતા મુખ્યમંત્રીએ મોડકુબા સુધી નર્મદા નહેર લાવવા જમીન સંપાદનના ૧૭ કેસોનો ત્વરિત નિકાલ સંદર્ભે ખેડૂતોની સંમિત મેળવવા માટે રાજયમંત્રી વાસણ આહિર અને માંડવી-મુંદરા વિભાગના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને જવાબદારી સંભાળવા સાથે કચ્છના હિતમાં ખેડૂતોને સમસજાવી સંમતિ સાધવા અને ગાંધીનગર જરૂર પડે બેઠક કરવા જણાવ્યું હતું.
ખાસ કરીને ભુજ નજીકના ભુજોડી ઓવરબ્રીજના કામમાં થતાં વિલંબ બાબતે પણ તેમણે નારાજગી વ્યકત કરી અધિકારીઓને કામમાં ગતિ લાવવા અને બ્રીજનાં કામમાં રહેલી રૂકાવટો માટે અધિકારીઓને જે કાંઇ મુશ્કેલી હોય તેના નિવારણ માટે બે દિવસ ગાંધીનગરમાં બેઠક કરી મંજૂરી લઇને હવે ઝડપભેર કામ પૂર્ણ કરવા ઉપર વિશેષ ભાર મૂકયો હતો.
વધુમાં તંત્રના અધિકારીઓને ટકોર કરતા તેમણે જણાવ્યું હતું કે ફાસ્ટટ્રેક ઉપર કામ કરવાની મારી પધ્ધતિ છે. સરકારી કામમાં વિલંબ પાલવે તેમ નથી. હાલના સમયમાં લોકોને ઝડપી કામ જોઇએ છે. સરકાર ફાસ્ટટ્રેક ઉપર ચાલે છે, ત્યારે સરકારી તંત્રોએ પણ એ મુજબ કામમાં ઝડપ લાવવી ખૂબ જરૂરી છે.
આ તમામ વાતો પરથી સ્પષ્ટ થાય છે કે આ વિકાસ કામોમાં કચ્છના વહિવટી તંત્રના અધિકારીઓએ નિષ્ક્રીય ભુમિકા ભજવી, બેદરકારી દાખવી કામોને વિલંબમાં મુકી દીધા છે. કામોમાં વિલંબ બાબતે CM ની નારાજગીથી “ગતિશીલ ગુજરાત”માં કચ્છના વહિવટી તંત્રના અધિકારીઓની નિષ્ક્રીયતા અને લાપરવાહી છતી થઇ છે. જો કે ખુદ મુખ્યમંત્રીની ટકોર તેમજ નારાજગી બાદ આવનારા સમયમાં આ તમામ વિકાસ કામો ઝડપભેર પુરા કરવા તંત્ર હરકતમાં આવશે ? કે “જૈસે થે વૈસે” ની પરિસ્થિતિ રહેશે ? તેવા અનેક સવાલો ઉભા થાય છે.