કચ્છના રાજકારણમાં જૂથવાદ બંને રાજકીય પક્ષો માટે સરદર્દ : ભાજપ બાદ હવે કોંગ્રેસમાં આંતરિક કકળાટ
ભુજ : મુખ્યમંત્રી એક દિવસ કચ્છ મુલાકાતે આવ્યા ત્યારે ભુજના ધારાસભ્ય દ્વારા કરાયેલ રજુઆતનો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભાજપમાં આંતરિક જૂથવાદ ચર્ચાની એરણે ચડ્યો હતો. તો આંતરીક જૂથબંધીમાં કોંગ્રેસ પક્ષ પણ બાકાત રહ્યો નથી.
આજે કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હરીસિંહ જાડેજાએ ફેસબુક પર જિલ્લા પ્રમુખને બદલાવવાની માંગ કરતી એક પોસ્ટ મુકી હતી. જેમાં જણાવ્યું હતું કે કોંગ્રેસનું કચ્છમાં પતન થઇ ગયું છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને સીનીયર લોકોને જવાબદારી સોપવામાં આવે. દિશા વિનાનું સુકાન વિનાશ કારી સાબીત થશે. કોંગ્રેસના હાલના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના કારણે કેટલા કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા છે. તેમજ અનેક આગેવાનો નિષ્ક્રિય થઇ ગયા છે તેવા ગંભીર આક્ષેપ પોસ્ટમાં કરાયા છે. જો કોંગ્રેસ બચાવવી હોય તો હાલના પ્રમુખને હટાવવાની વાત પણ કરી છે. જો કે હાલના પ્રમુખ અને યુથ કોંગ્રેસ પ્રમુખ વચ્ચે જૂથવાદ અગાઉ પણ ઘણી વખત સામે આવી ચુક્યો છે. યુથ કોંગ્રેસના ટાઉનહોલમાં રાખેલ કાર્યક્રમમાં યજુવેન્દ્રસિંહ જાડેજાની બાદબાકી કરાઇ હતી જેના રીએકશનમાં યુથ કોંગ્રેસ કાર્યકરોને જિલ્લા કાર્યાલયમાં બેસવા માટે જિલ્લા પ્રમુખે મનાઈ કરી હતી. આ તમામ બનાવો બાદ આજે આ જૂથવાદ ફરી સોશ્યલ મીડિયા મારફતે વકર્યો છે.
જો કે આ જૂથવાદના બીજ યુથ કોંગ્રેસની આંતરિક ચૂંટણીમાં નખાયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. કચ્છના રાજકારણમાં જૂથવાદ બંને રાજકીય પક્ષો માટે સરદર્દ બની ગયું છે.