વિખૂટી પડેલ મહિલાનું પરિવાર સાથે મીલન કરાવી જખૌ પોલીસે દિવાળી ઉજવી
જખૌ : “પોલીસ પ્રજાનો મિત્ર” કહેવતને સાર્થક કરતી કામગીરી જખૌ પોલીસ દ્વારા દિવાળીના દિવસે કરવામાં આવી છે. બિહારી પરિવારની મહિલા જે પોતાના પરિવારથી વિખૂટી પડી ગયેલ તેનો પરિવાર સાથે મીલન કરાવીને જખૌ પોલીસે દિવાળીની ઉજવણી કરી છે.
સમગ્ર બનાવ એવી રીતે છે કે ગત તા. 25-10ના પીંગશ્વર સી.ઓ.પી ખાતે ફરજ બજાવતા એ.પી.સી. લાખીયારજી રતનજી સોઢા, પો. પગી દોલતસિંહ જાડેજા, પુનશી કોલી, સોમચંદ કોલી વગેરે સટાફ પેટ્રોલીંગમાં હતું. ત્યારે અચાનક એક મહિલા પર તેમની નજર પડતા તેની પુછ પરછ કરતા મહિલા હિંદીમાં વાત કરતી હતી. તેમજ થોડી મંદ બુધ્ધિની જણાતી હતી. આ મહિલાએ પોતાનો નામ ભોની દેવી જણાવ્યું હતું. વધુ પુછ પરછ કરતા તે બિહારની હોવાનું જાણવા મળ્યું હતું. આ મહિલા પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેનામાં તેના બિહારના સબંધિના લખેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં તેઓએ આ મહિલાના પુત્ર મુન્નાકુમાર રતનલાલના નંબર આપ્યા હતા. જખૌ પોલીસ દ્વારા મહિલાના દિકરાના નંબર પર સંપર્ક કરી સમગ્ર વાતની જાણ કરતા જખૌ પોલીસ સ્ટેશને મહિલાનો દિકરો તથા તેનો જમાઈ મહિલાને તેડવા આવી પહોંચ્યા હતા. તેઓએ આ મહિલાની સંપૂર્ણ ઓળખ આપતા જણાવ્યુ કે તેમનું નામ ભોનીદેવી રતનલાલ મહતો છે. આ મહિલા તારાનગર તા. કસ્બા, જિ. પુરનિયા(બિહાર) ની રહેવાસી છે. સાથે સાથે આધાર પૂરાવા રજૂ કરતાં જખૌ પોલીસે મહિલાને તેના પરિવારજનોને સોપવામાં આવી હતી.
આ રીતે જખૌ પોલીસે માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડી પરિવારથી વિખૂટી પડી ગયેલ મહિલાને તેના પરિવાર સાથે મિલન કરવી, તેના પરિવારને મીઠાઇનો બોક્ષ આપી અને દિવાળીની ઉજવણી કરી હતી.