સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રની ભાતીગળ હસ્તકલાનાં વિકાસ અને પ્રોત્સાહન માટે રાજકોટ ખાતે યોજાયો સેમિનાર
ભુજ : સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભૌગોલિક વિસ્તારમાં પથરાયેલી ભાતીગળ હસ્તકલાનો વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકારના એકક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સીલ ઓફ હેન્ડીકાફટની સહયોગથી તાજેતરમાં રાજકોટ કલેકટર કચેરી ખાતે એક વર્કશોપ-કમ-સેમિનારનું આયોજન કરાયું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છમાં હસ્તકલાની સાથે હજારો કલાકારોની આજીવિકા પણ જોડાયેલી છે. આ કલાઓનાં સર્વાંગી વિકાસની સાથે હસ્તકલાને વધુને વધુ પ્રોત્સાહન મળે તે માટે કેન્દ્ર સરકારના એકક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સીલ ઓફ હેન્ડીક્રાફટનાં અધિકારીઓ અને રાજકોટ જિલ્લાના વિવિધ સબંધિત વિભાગોના અધિકારીઓ તથા હસ્તકલાની વિવિધ સ્વૈછિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સેમિનારમાં સૌરાષ્ટ્ર-કચ્છની દેશ-દુનિયામાં જાણીતી હસ્તકલાઓના વિકાસ અને પ્રોત્સાહન બાબતોની વિસ્તૃત ચર્ચા-વિચારણા રાજકોટ કલેક્ટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને કરાઇ હતી.
દેશ-વિદેશમાં યોજાતા હેન્ડીક્રાફટના મેળાઓ, પ્રદર્શન-કમ-સેલ અંગેની જાણકારી પણ પ્રેઝન્ટેશન દ્વારા અપાઇ હતી. હેન્ડીક્રાફટ સંસ્થાના પ્રતિનિધિઓએ હેન્ડીક્રાફટ વિશેની ડીઝાઇન, પ્રોડકટ માર્કેટીંગ વિશે અને આ ક્ષેત્રને બહેતર બનાવવાના વિચારો રજૂ કરાયાં હતા તેમજ એકસપર્ટ કમિશન આવતાં મહીને જગ્યા, પ્રોડકટ સહિતની વિગતોનો સર્વે કરશે, તેમ પણ વધુમાં જણાવાયું હતું.
આ પ્રસંગે ભુજ ખાતેથી ડેપ્યુટી કલેક્ટર સિધ્ધાર્થ ગઢવી, હેન્ડીક્રાફટના આસી. ડાયરેકટરશ્રી રવીવીર ચૌધરી, જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કિશોર મોરી, ‘સૃજન’ નાં શ્રી રાજીવ ભટ્ટ તથા વિવિધ વિભાગનાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.