રાજયમંત્રીના હસ્તે હાજીપીર રોડના કામનું કરાયું ખાત મૂહૂર્ત : અબડાસા MLA એ ના. મુખ્યમંત્રીનો આભાર માન્યો
ભુજ : મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર વિકાસકામોની સતત ચિંતા કરે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૩૦ કરોડ દેશવાસી મારો પરિવાર એવી મજબૂત ભાવનાથી દેશ પ્રગતિ કરે છે, તેમ આજે રૂ.૨૨.૮૬ કરોડના ખર્ચે દેશલપર-હાજીપીર રસ્તાના વાઇડનીંગ-મજબૂતીકરણના હાથ ધરાનારા કામનાં ખાતમુહુર્ત પ્રસંગે રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.
સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણ આહિરે નખત્રાણા તાલુકાના દેશલપર(ગુંતલી) ફાટક પાસેથી દેશલપર-હાજીપીર રસ્તાના ૧૬ કી.મી. વાઇડનીંગ અને મજબૂતીકરણ કામનો વિધિવત પ્રારંભ કરાવી માર્ગની અગત્યતા અને જરૂરિયાત નજરે સરકારમાંથી મંજૂરી મેળવવામાં બધાનો અવાજ એક હતો. આ માર્ગનું કામ પૂર્ણ થતાં પ્રવાસન અને ધાર્મિક સ્થાનોએ જતાં પ્રવાસીઓ-શ્રધ્ધાળુઓને આવાગમન સરળ અને સુવિધાયુકત થતાં ઘણી રાહત મળશે, તેમ ઉમેર્યું હતું.
પ્રવાસન નિગમના ડાયરેકટર અને કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે કહયું હતું કે, સરકારની ઉદાર અને હકારાત્મક નીતિ છે. મોડુ જરૂર થયું હશે, પરંતુ યોગ્ય રજૂઆતોનો પડઘો પડ્યો છે. આ તકે તેમણે ગુણવત્તા જળવાય અને વર્ષો સુધી ચાલે તેવું કામ થાય તેવી ટકોર પણ કરી હતી.
ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, ખાસ કિસ્સામાં મંજૂર કરાયેલા રસ્તાના કામ માટે ઘણા સમયથી લોકોની લાગણી અને માંગણી હતી તે હવે પૂર્ણ થઇ છે. પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે અગત્યનો માર્ગ છે. ધોરડોના પ્રવાસી આ માર્ગે આવ-જાવ કરવાથી ડીઝલ-પેટ્રોલ અને સમયની પણ બચત થાય છે.
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ લોકોની સમસ્યાનો અંત આવ્યો હોવાનું જણાવી હિન્દુ-મુસ્લીમ ધર્મસ્થાન જોડતાં આ માર્ગના કામની મંજૂરી બદલ તેમણે નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.
કચ્છ-મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાએ રસ્તાના ખાતમુહુર્ત બદલ ખુશીની લાગણી વ્યકત કરતાં શુભકામના સંદેશ પાઠવ્યો હતો. નખત્રાણા ભાજપ પરિવાર, સંતકૃપા પરિવાર અને અખીલ કચ્છ મુસ્લીમ હિતરક્ષક સમિતિ દ્વારા મંચસ્થોના વિશેષ સન્માન કરાયાં હતા. કાર્યક્રમના પ્રારંભે નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ પલણે શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, રાજયમંત્રીના ધર્મપત્નિ કંકુબેન આહિર, જિલ્લા સામાજીક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલા, કેસરબેન મહેશ્વરી, અગ્રણીઓ જયસુખભાઈ પટેલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ રાણુભા, કાનજીદાદા કાપડી,આમદભાઈ જત, ભરતભાઈ સોમજીયાણી, મોહનભાઈ આહિર, રવિભાઈ નામોરી, અલાના ભુંગર, અલીમામદ જત, રાજુભાઈ સરદાર, મીરખાન મુતવા, લાલજીભાઈ રામાણી, ઇબ્રાહિમ હાલેપોત્રા, ગોરધનભાઈ પટેલ, હાજીપીરના મુંજાવર અબ્દુલા બાવા, ભચાયા મુંજાવર, ઓસમાણ સુમરા તેમજ અધિકારીગણમાં કાર્યપાલક ઇજનેર કે.આર.પટેલ, મામલતદાર પ્રવિણ જતાવર, મદદનીશ ઇજનેર રમેશ પ્રજાપતિ વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દેવેન્દ્ર પટેલ અને આભારદર્શન તાલુકા મહામંત્રી દિલીપ નરસિંગાણીએ કર્યું હતું.