વિંઝાણ ઠાકોર અને મુફતીએ કચ્છના પિતાએ કર્યું હતું ગાંધીજીનું સન્માન : અન્ય કોણ-કોણ હતા જાણો
ભુજ : આજે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત કચ્છમાં વિવિધ કાર્યક્રમો યોજાયા છે. ત્યારે આજથી 94 વર્ષ પહેલા વિશ્વમાં અહિંસાના પ્રતિક તરીકે ઓળખાતા મહાત્મા ગાંધીની કચ્છ મુલાકાતની કેટલીક યાદો ઇતિહાસવીદો વાગોળી રહ્યા છે. ઇ.સ. 1925 માં કચ્છ રાજયના મહેમાન તરીકે મહાત્મા ગાંધીએ કચ્છના વિવિધ વિસ્તારોમાં ફરીને રાજકીય આગેવાનો તેમજ કચ્છ રાજના વિવિધ જાગીરદારોને મળવા માટે લગભગ એક અઠવાડિયા સુધી કચ્છમાં રોકાણ કર્યું હતું. 1925ની 21 ઓક્ટોબર કચ્છમાં પહોંચેલા મહાત્મા ગાંધીજીએ ભુજ, માંડવી, મુન્દ્રા અંજાર, કોઠારા, કોટડા, મંજલ અને છેલ્લે અબડાસાના વિંઝાણ ગામની મુલાકાત લીધી હોવાનું ઐતિહાસીક પુસ્તકો માંથી જાણવા મળે છે. 94 વર્ષ પહેલા મહાત્મા ગાંધીજીના સંપર્કમાં આવેલા મહાનુભાવોના વંશજો કચ્છમાં આજે પણ સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠા ધરાવે છે. ગાંધીજીની કચ્છ મુલાકાત દરમિયાન તેમણે અને તેમની સાથે સરદાર વલ્લભભાઇ પટેલ અને મહાદેવભાઇ દેસાઇએ કચ્છના ધુળીયા રસ્તાઓ પર બળદ ગાડાથી પ્રવાસ કર્યો હતો. મહાત્મા ગાંધીજીની બળદ ગાડી હંકારનાર અબ્દુલ્લાભાઇ ચાકી વર્તમાન કોંગ્રેસી અગ્રણી હાજી આદમ ચાકીના દાદા હતા. મહાત્મા ગાંધીજીની આ સેવા બદલ પોતાના દાદા પ્રત્યે હાજી આદમ ચાકીએ ગૌરવની લાગણી દર્શાવી હતી.
અબડાસાના વિંઝાણ ગામે યોજાયેલા ભવ્ય સમારંભમાં કચ્છના સર્વ સમાજ વતી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું વિંઝાણના ભાટીયા જીવરાજ ગોકળદાસ નેણસી મુંબઈમાં સ્વદેશી લડતના અગ્રિમ હરોળના કાર્યકર હતા. તેમના આગ્રહથી તા. 27-10-1925 ના વિંઝાણ મધ્યે શેઠ ગોકળદાસ તેજપાલ મીડલ સકૂલ મધ્યે યોજાયેલી સભામાં કચ્છ રાજ્ય વતી વિંઝાણ ઠાકોર હમીરજી, કારભારી જેઠુજી જાડેજા, શિક્ષક શ્રી ભાણજીભા જાડેજા, જાડેજા ભાયાતોના આગેવાન મેરામણજી કાકા, વેપારી આગેવાન હરિરામ લધા ઠક્કર અને મુસ્લિમ સમાજ વતી સૈયદ હાજી મીયાં સાહેબ એ ગાંધીજીનું સન્માન કર્યું હતું. આ મહાનુભાવોમાં શિક્ષક ભાણજીભા જાડેજાના પૌત્ર સાવજસિંહ જાડેજા કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ છે. જ્યારે સૈયદ હાજી મીયાં સાહેબના પુત્ર મુફતીએ કચ્છ હાજી અહેમદશા બાવા આજે પણ કચ્છની પ્રજા તેમના પ્રત્યે અનોખો આદર ભાવ ધરાવે છે. તેમજ તેમના પૌત્ર સલીમશા હાજી જહાંગીરશા કચ્છના મુસ્લિમ સમાજમાં આલિમ અને સારા વક્તાની છાપ ધરાવે છે. 94 વર્ષ પૂર્વે યોજાયેલી આ સભા કચ્છના ઇતિહાસમાં એક સુઃખદ અને યાદગાર હોવાનું વિંઝાણના સાવજસિંહ જાડેજા અને હાજી સલીમશા સૈયદએ જણાવ્યું હતું.