ભુજમાં દબાણો જ હટાવવા હોય તો નગરસેવકોની દૂકાનથી “શ્રી ગણેશ” કરો
ભુજ : શહેરના બસ સ્ટેશન અને વાણીયાવાડ વિસ્તારમાં ટ્રાફીકને અડચણ રૂપ બનતા લારી ગલ્લા વાળાને તથા દૂકાનોથી બારે છાપરા બનાવીને જગ્યા રોકતા દૂકાનદારોને દબાણ દૂર કરવા ભુજ સુધરાઈ દ્વારા આજે નોટીસ ફટકારવામાં આવી છે. આ નોટીસ ઉપર વીથ કોંગ્રેસ પ્રમુખ માનસી શાહ દ્વારા વેધક સવાલો ઉપાડવામાં આવ્યા છે.
ભુજ શહેરમાં આવેલ બસ સ્ટેશન તેમજ વાણીયાવાડ વિસ્તારમાં ઉભા રહેતા લારી ગલ્લા વાડા નાના ધંધાર્થીઓ ટ્રાફીક માટે અડચણ રૂપ બની રહ્યા છે. તેમજ દૂકાન ધારકો પણ પોતાની દૂકાન બહાર મોટા મોટા છાપરા બનાવી રસ્તો રોકી રહ્યા હોવાનું કારણ આગળ ધરી ભુજ સુધરાઈ દ્વારા આ ધંધાર્થીઓને દબાણ હટાવવા નોટીસ પાઠવવામાં આવી છે. ખાસ કરીને નવરાત્રી તેમજ દીવાળી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે તહેવારોની ઉજવણી અને તહેવારો પહેલા ખરીદી કરવા આવતા શહેરના અને સર્વત્ર કચ્છમાંથી આવતા લોકોને ટ્રાફીકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે આ કાર્યવાહી કરાઇ હોવાનું સુધરાઈના પદાધિકારી દ્વારા જણાવાયું છે.
ત્યારે આ કાર્યવાહી મુદે ભુજ સુધરાઈ વિરૂદ્ધ વીથ કોંગ્રેસ કચ્છના પ્રમુખ માનસી શાહે અનેક સાવાલો ઉભા કર્યા છે. માનસી શાહે જણાવ્યું છે કે સુધરાઈ દ્વારા લારી ગલ્લા વાડાને નોટીસો આપવી એ નાટક છે. અગાઉ આવા જ બનવામાં બસ સ્ટેશન વિસ્તારમાં આઠ દૂકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું, પણ જયારે ભાજપના નગર સેવકો તેમજ સતાધિશોની દૂકાન પર આ કાર્યવાહિ થાય તે પહેલા જ ઉપરથી “રૂક જાઓ” નો ઓર્ડર આવતા ભુજ નગરપાલિકા પાણીમાં બેસી ગઇ હતી. ખરેખર દબાણો જ દૂર કરવા હોય તો ભાજપના ચુંટાયેલા નગરસેવકોની બસ સ્ટેશન પાસે આવેલી દૂકાનથી જ “શ્રી ગણેશ” કરવા જોઈએ. ભુજ નગરપાલિકાના સત્તાધિશો પોતાના ખીસ્સા ભરવા બહારથી આવતા લોકોને તહેવારો ટાંકણે ટાઉનહોલ પાસે ફુટપાથ પર સ્ટોલ લગાડવા આપે છે. જયારે ભુજના સ્થાનિક વ્યાપારીઓ કે જેઓ પોતાની દૂકાનો લઇ બેઠા છે સરકારને ટેક્ષ અને GST ભરે છે તેમજ નાના ધંધાર્થીઓને દબાણ હટાવવાની નોટીસ આપી હેરાન કરવામાં આવે છે. તહેવારો ટાણે વેપાર કરવા આવતા બારાતુઓ કે જેઓ સરકારને કોઇ ટેક્ષ પણ ભરતા નથી તેમના ભોગે ભુજના સ્થાનિક વ્યાપારીઓને લાખોનું નુકશાન થાય છે. આ રીતે પોતાના ખીસ્સા ભરવા માટે નગરપાલિકાના સત્તાધિશો દ્વારા સ્થાનિક વ્યાપારીઓ તેમજ નાના ધંધાર્થીઓના ધંધાને મોટું નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે સ્થાનિક વ્યાપારીઓ તેમજ નાના ધંધાર્થીઓને ફાયદો થાય તેની તકેદારી રાખવી નગરપાલિકાની ફરજ છે તેમના નુકશાનમાં સહભાગી બનવાની નહીં તેવું વીથ કોંગ્રેસની યાદીમાં જણાવાયું છે.