શિક્ષણ માટે સરકારી શાળા પર આધારિત બન્ની-પચ્છમ વિસ્તારની શાળાઓ મર્જ ન કરવા માંગ
ભુજ : ગુજરાત સરકાર દ્વારા ઓછા બાળકો વાળી સરકારી શાળાઓને નજીકની ત્રિજયામાં આવતી સરકારી શાળામાં મર્જ કરવાનો નિર્ણય કરેલ છે. જે અંતર્ગત ગુજરાત રાજયમાં મર્જ કરવા માટે શાળાઓની યાદી બનાવવામાં આવી છે. જેમાં કચ્છની અનેક શાળાઓ સાથે બન્ની-પચ્છમ વિસ્તારની પણ કેટલીક શાળાઓ મર્જ કરવા વીચારણા હેઠળ છે. આ બાબતે પચ્છમ યુવા શિક્ષણ પરિષદ દ્વારા આજે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી એજયુકેશનના સચિવને સંબોધીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં જણાવ્યું છે કે બન્ની-પચ્છમ વિસ્તારની કેટલીક શાળાઓ મર્જ થવાના લીસ્ટમાં છે. આ વિસ્તાર શૈક્ષણિક રીતે પછાત વિસ્તાર છે. આ વિસ્તારમાં એક પણ ખાનગી શાળા આવેલ નથી. અહિંના બાળકોનું પ્રાથમિક શિક્ષણ સરકારી શાળાઓ પર આધારિત છે. આ વિસ્તારની સરકારી શાળાઓમાં ગરીબી રેખા હેઠળ જીવન જીવતા પરિવારોના બાળકો ભણી રહ્યા છે. સરકાર દ્વારા શાળા મર્જ કરવાનો જે નિર્ણય લેવાયો છે, તે અંતર્ગત જો આ વિસ્તારની શાળાઓ મર્જ કરવામાં આવશે તો ગરીબ બાળકોના શિક્ષણ પર વિપરીત અસર પડશે.
જેથી આ બાબતની ગંભીર નોંધ લઇ બન્ની-પચ્છમ વિસ્તારની એક પણ શાળાને મર્જ કરવામાં ન આવે. તેમજ આ નિર્ણય અંગે ફેર વિચારણા કરવામાં આવે. તેવી માંગ સાથે પચ્છમ યુવા શિક્ષણ પરિષદના અધ્યક્ષ ઉમર સેરમામદ સમા તથા તેમની ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.