મુન્દ્રાના હટડી આસપાસ વિસ્તારમાં પવનચક્કી લગાડનાર વીજ કંપની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને કાયદાથી ઉટરવટ ગઇ : તંત્ર મૌન
મુન્દ્રા : તાલુકાના હટડી અને આજુબાજુના ગામોમાં રીન્યુ પાવર એનર્જી દ્વારા પવનચક્કી ઉભી કરવામાં આવેલ છે. આ પવનચક્કી દ્વારા જે પણ વીજળી ઉત્પાદન થશે તે પસાર કરવા માટે વિજલાઈન ઉભી કરવામાં આવે છે. પવનચક્કી માટેની પરવાનગી કલેકટર પાસેથી લેવામાં આવે છે. પણ વીજલાઈન ૧૧ કેવીથી વધારેની પસાર કરવી હોય ત્યારે વીજ લાઈન પસાર કરવા માટે સક્ષમ અધિકારીની પરવાનગી લેવાની હોય છે પણ આ કંપની દ્વારા હટડી અને આજુબાજુના ગામોમાંથી ૩૩ કેવી અને ૬૬ કેવી વીજ લાઈન પસાર કરવામાં આવી છે. જ્યારે સરકારી વિભાગમાંથી મળેલ માહિતી પ્રમાણે કોઈ પરવાનગી લેવામાં આવેલ નથી. તેમજ ખેડૂતોને ૧.૨૫ લાખ જેટલું વળતર ચૂકવવાનું હોય છે પણ કંપની દ્વારા ગુંડાઓ ઉભા કરીને ખેડૂતોને ફક્ત ૧૦ કે ૧૫ હજાર જેવું નજીવું વળતર ચુકવવામાં આવેલ છે. તેમજ આ વિજલાઈન નદીના તટમાં ૪૦ થી વધુ વીજ પોલ ઉભા કરી દેવામાં આવ્યા છે. આપણાં દેશની સુપ્રિમ કોર્ટે પાણીના સ્ત્રોતની બાજુમાં આવા બાંધકામ કરવા નહીં તેવી ગાઈડલાઈન આપેલ છે અને નેશનલ ગ્રીન ટબ્યુનલે સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનને લઈને વારંવાર સરકારના વિભાગોને ધ્યાન રાખવાનું જણાવવામાં આવેલ છે તેમ છતાં આવી રીતે કામ ગાઈડલાઈનનો ભંગ થાય ત્યારે પણ આપણું સરકારી તંત્ર હંમેશાની જેમ પાણીમાં જ બેઠું હોય છે.
વીજ કંપની દ્વારા સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન ભંગ થયેલ છે તેને લઈને તા.૩/૮/૨૦૧૯ના રોજ કંપનીને લેખિતમાં અરજી આપીને કંપનીનું ધ્યાન દોરવામાં આવેલ હતું તેમ છતાં કામ ચાલુ રાખેલ હોય તેને લઈને લોકલ સરકારી તંત્રને જાણ કરવામાં આવેલ હતું પણ તેના દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા અંતે આ વીજ લાઈન નદીમાંથી કાઢીને બીજેથી પસાર કરવામાં આવે તેવી રજુઆત કચ્છ કલેક્ટરને તા. ૯/૯/૨૦૧૯ના રોજ હટડીના જાગૃત નાગરિક જાડેજા જયપાલસિંહ દ્વારા કરવામાં આવી છે.
જયપાલસિંહે સાથે આ બાબતે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભારતીય ટેલિગ્રાફ એકટ, ૧૮૮૨ની કલમ ૧૩ પ્રમાણે આ વિજલાઈન ખસેડવાની કે દૂર કરવાની કલેકટર પાસે સંપૂર્ણ સતા છે ત્યારે કલેકટર કંપની પર જે કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું અને જો કલેકટર આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય નહિ કરે તો મારે આ વિજલાઈન બાબતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (પર્યાવરણ કોર્ટ)માં કંપની અને સરકારી તંત્ર વિરુદ્ધ કેસ કરવાની ફરજ પડશે અને કંપની દ્વારા જે કાયદા વિરુદ્ધ જઈને મનસ્વી રીતે થયેલ કામને લોકહિત માટે લડત કરવાની જરૂર પડશે તો લડત પણ કરીશું.