પૂર્વ કચ્છમાં ગૌચર જમીનો માંથી તંત્રની મીઠી નજર તળે થાય છે ખનીજ ચોરી : આમ આદમી પાર્ટી
અંજાર : પૂર્વ કચ્છના અંજાર તાલુકાની સીમમાં આવતા અનેક ગામો તેમજ ભચાઉ અને રાપર વિસ્તારમાં ગૌચર તેમજ સરકારી જમીન માંથી બેફામ ખનીજ ચોરી થતી હોવા મુદે આમ આદમી પાર્ટી પુર્વ કચ્છ દ્વારા અંજાર પ્રાંત અધિકારી મારફતે આવેદનપત્ર આપી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
જેમાં આમ આદમી પાર્ટી પુર્વ કચ્છ પ્રમુખ રોશનઅલી સાંધાણીએ જણાવ્યું છે કે અંજાર સીમ અને તાલુકાના વીડી બગીચા, મોટી નાગલપુર, સીનુગ્રા, મીંદીયાણા, ભુવડ, ખેડોઇ, શીણાઇ ઉપરાંત પૂર્વ કચ્છના ભચાઉ, રાપર વિસ્તારમાં ગૌચર તેમજ સરકારી પડેતર જમીન માંથી ખનીજ માફિયાઓ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે. આ ખનીજ ચોરી કરી તેમના વાહનોમાં ઓવરલોડ ભરી વગર રોયલ્ટીએ ખનીજ એક જગ્યાએ થી બીજી જગ્યા તંત્રની નજર સામે હેરાફેરી કરી રહ્યા છે. કલેકટર દ્વારા જે જગ્યાએ લીઝ પાસ થયેલ છે તે જગ્યાને છોડી અને અન્ય ગૌચર તેમજ સરકારી જમીનો પરથી ખનીજ કાઢી ખૂલ્લેઆમ કાયદાનો ભંગ કરી રહ્યા છે. આ તમામ મુદે તંત્ર મુક પ્રેક્ષક બની, આંખ આડા કાન કરી રહ્યું છે. જેથી આ ખનીજ ચોરી ખાણ-ખનીજના અમુક અધિકારીઓની મીઠી નજર હેઠળ થઇ રહી હોવાનું આભાસ થાય છે. ગત શનિવારે સવારે 11 વાગ્યાના અરસામાં મોટી નાગલપુરની ગૌચર જમીન માંથી ખનીજ ચોરી થઇ રહી હોવાની જાણ થતા ખાણ ખનીજ વિભાગને ફોન દ્વારા સંપર્ક કરી માહીતી આપી હતી. જે સંદર્ભ ખાણ ખનીજની ઓફિસેથી બપોરે ફોન આવતા ફરિયાદ નોંધાવાઇ હતી. ત્યાર બાદ 4 વાગ્યે ત્યાં ખાણ ખનીજ વાળા આવ્યા પણ ખનીજ ચોરી કરનારા ત્યાંથી ભાગી ગયા હતા. આવી રીતે અનેક વખત થતું છે કે ખાણ ખનીજના અધિકારીઓ આવે તે પહેલા ખનીજ માફિયા ભાગી જાય છે. આ ખનીજ માફિયાઓને ખાણ ખનીજ દ્વારા પહેલાથી જ જાણ કરાતી હોવાની આશંકા જતાવાઇ છે. તેમજ છેલ્લા છ મહીનાથી સતત વિડીયોગ્રાફીના પુરાવા સાથે આ બાબતે રજૂઆત કરાઇ રહી છે. પણ તંત્ર દ્વારા કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
આ ખનીજ ચોરી કરી, તેનું ઓવર લોડીંગ પરિવહન કરી, વગર રોયલ્ટીએ ખનીજની હેરાફેરી કરતા માથાભારે શખ્શો વિરૂદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી નહીં કરવામાં આવેતો ગૌચર તેમજ સરકારી કીમતી જમીનો તેમજ પર્યાવરણને મોટું નુકસાન થઇ શકે છે. માટે બેફામ ખનીજ ચોરી કરતા ખનીજ માફિયા વિરૂદ્ધ કડક કાર્યવાહિ કરવા માંગ કરવામાં આવી છે. જો યોગ્ય નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી પણ આમ આદમી પાર્ટી પુર્વ કચ્છ પ્રમુખે ઉચચારી છે.