કચ્છ યુનિવર્સિટીમાં સમરસ હોસ્ટેલ લોકાર્પણમાં ભાજપના પદાધિકારીઓએ ઢોંગી સમરસતા બતાવી : RDAM
ભુજ : કચ્છ યુનિવર્સિટીમાં નવ નિર્મિત સમરસ હોસ્ટેલ નો લોકાર્પણ રાજ્ય સરકાર ના સમાજ કલ્યાણ વિભાગ ના કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજયમંત્રી વાસણ આહિર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ લોકાર્પણમાં ભાજપના પદાધિકારીઓએ ઢોંગી સમરસતા બતાવી હોવાનો આક્ષેપ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (RDAM) કચ્છના નરેશ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે આ લોકાર્પણ પ્રસંગે ભુજ મતવિસ્તારના ધારાસભ્ય, માંડવી-મુન્દ્રા ના ધારાસભ્ય, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ, ચુંટાયેલા સેનેટ સભ્યો, કચ્છની છ નગરપાલિકા માંથી નિયુક્ત થયેલ કચ્છ યુનિવર્સિટીના સેનેટ મેમ્બરો તેમજ કચ્છ જિલ્લા પંચાયતમાંથી નિયુક્ત થયેલ સેનેટ મેમ્બર પૈકીના મોટાભાગના ગેરહાજર રહ્યા હતા. આ લોકોને માત્ર ને માત્ર સમરસતાનો ઢોંગ કરી SC, ST, OBCના વોટ જોઈએ છીએ. પણ શૈક્ષણિક સંકુલ કે હોસ્ટેલ કે આર્થિક વિકાસ ના કામ માં કોઈ જ રસ નથી. પરંતુ અન્ય કોઈ સમાજોમાં પ્રોગ્રામ હોય કે રણ ઉત્સવો કે અન્ય કોઈ મહોત્સવ હોય તો બધાય ધારાસભ્યો અને ભાજપ ના પદાધિકારીઓનો “જાન માં કોઈ જાણે નહિ અને હું લાડા ની ફઈ” જેવું તાલ હોય છે. આવા પ્રસંગે તેઓ હરખપદુડા થઈ ને દોડા દોડ કરે છે. સમરસ હોસ્ટેલ ના લોકાર્પણ માત્ર દલિત સમાજ ના સાંસદ,ધારાસભ્ય અને ભાજપ ના અનુ.જાતિ મોરચા ના કાર્યકરો જ હતા. ત્યારે અન્ય પ્રોગ્રામોમાં દલિત સમાજ ના જે આગેવાનો હરખપદુડા થઈ ને ચાલ્યા જાય છે. તેઓ ને સમાજ પ્રત્યે ઓરમાયું વર્તન કરનાર ભાજપના પદાધિકારીઓને આ બાબતે સાચું કહેવામાં કોની શરમ નડે છે ? જયારે યુનિવર્સિટીમાં જયદેવ રાયજાદા દલિત સમાજ ના વિધાર્થીઓ ને જાતિ અપમાનિત કરે છે ત્યારે કોઈ કેમ બોલતા નથી. ત્યારે તેઓને ફક્ત પોતાની ટીકીટ અને હોદ્દાઓ ની ચિંતા હોય છે.
ભાજપ માટે કામ કરતા આવા દલિત સમાજના આગેવાનોમાં જરાય પણ શરમ બચી હોય તો ઉપર બેઠેલા પોતાના આકાઓને આવી ઢોંગી સમરસતા મુદે વાકેફ કરવા જોઈએ. અન્યથા બીજો કોઇ કરે કે ન કરે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ આવા પ્રોગ્રામોનો બહિષ્કાર જરૂર કરશે તેવી ચિમકી મંચના નરેશ મહેશ્વરી દ્વારા ઉચ્ચારવામાં આવી છે.