બે વર્ષથી ઉદઘાટનની રાહ જોતી પોલીટેકનિક કોલેજ ભુજની હોસ્ટેલની કોંગ્રેસે જ રીબીન કાપી
ભુજ : શહેરમાં આવેલી ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજના છાત્રોને રહેવા માટે બે વર્ષ અગાઉ 12 કરોડના ખર્ચે બે હોસ્ટેલ તૈયાર થઈ ગઇ છે. હંમેશાની જેમ ઉદઘાટન માટે મોટા નેતાની રાહ જોવાઇ રહી હોવાથી આ સફેદ હાથી સમાન હોસ્ટેલ બંધ હાલતમાં પડી છે. આજે આ હોસ્ટેલને કચ્છ NSUI ના છાત્રો દ્વારા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તેમજ કોલેજના એલ્યુમની એસોસિએશનના પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા દિપક ડાંગરના હસ્તે રીબીન કપાવી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ મહામંત્રી તથા પૂર્વ સેનેટ ડો. રમેશ ગરવા, અશરફ સૈયદ, NISU ના રૂષી જાડેજા, કરણસિંહ જાડેજા, કાર્તિક પૈઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ સરકાર પર સવાલ ઉભા કરતા જણાવ્યું હતું કે આ હોસ્ટેલમાં 150 વિદ્યાર્થીઓ તથા 100 વિદ્યાર્થીનીઓ રહી શકે તેવી સગવડ છે. દરેક રૂમમાં ફર્નીચર સહિત તમામ સગવડ હોવા છતાં સરકાર શા માટે વિદ્યાર્થીઓનો હીત નથી જોતી ? શા માટે વિદ્યાર્થીઓને મોંઘા ભાડા ખર્ચી કોલેજથી દૂર રહેવા જવું પડે છે ? શિક્ષણની મોટી મોટી વાતો કરતા કચ્છ ભાજપના નેતાઓ વિદ્યાર્થીઓના હીતનું વિચારે અને પોતાની વાહ-વાહીમાં રચ્યા પચ્યા રહેવાના બદલે પ્રજા હિતના કાર્યો કરે તેવું પ્રવકતા દિપક ડાંગર દ્વારા જણાવાયું છે.