ભુજ સુધરાઈ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ : બસ સ્ટેશન વિસ્તારમાં “વગદારોના છાપરા” તુટ્યા
ભુજ : શહેરની નગરપાલિકા દ્વારા 2 દિવસ અગાઉ જ કેબીનો અને લારી-ગલ્લા વાળાને દબાણ દૂર કરવા નોટીસ પાઠવવામાં આવી હતી. તેમજ આ નોટીસો બાબતે વિપક્ષ દ્વારા અનેક સવાલો ઉભા કરાયા હતા.
બે દિવસ અગાઉ બસ સ્ટેશન વિસ્તાર અને વાણીયાવાડમાં જે દબાણ કરનારાઓને નોટીસ પાઠવવામાં આવી હતી. તે અનુસંધાને ભુજ નગરપાલિકા દ્વારા આજે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બસ સ્ટેશન રોડ પર આવેલ જે દૂકાનો બહાર વધારાના છાપરા બનાવી વધારે જગ્યા રોકી ટ્રાફીકને અડચણ રૂપ બનતા તમામ દબાણો દૂર કરાયા હતા. આ દબાણ હટાવ ઝુંબેશ નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો નજીક આવતા અહીં શહેર તથા ગામડાઓ માંથી ખરીદી માટે આવતા લોકોને ટ્રાફીક સમસ્યાનો સામનો ન કરવું પડે તે હેતુથી ચલાવવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. પરંતુ આ કાર્યવાહી મુદે અનેક સવાલો પણ ઉભા થયા હતા. ભુજ સુધરાઈ દ્વારા સ્થાનિક વ્યાપારીઓને કનડગત કરાઇ રહી છે, અને બારાતુઓને પોતાના લાભ માટે પદાધિકારીઓ ફુટપાથ પર ધંધો કરવાની છુટ આપે છે તેવા આક્ષેપ થયા હતા. તે સિવાય અગાઉ પણ તહેવાર સમયે દબાણ હટાવ ઝુંબેશ વખતે ભાજપના નગર સેવકોની દૂકાનનું દબાણ દૂર કરવાની વાત આવતા આ ઝુંબેશ બંદ કરી દેવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ થયો હતો. જો કે આ તમામ આક્ષેપો અને સવાલોના ઘેરામાં આવેલ ભુજ નગરપાલિકા દ્વારા આજે દબાણ હટાવ ઝુંબેશમાં બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભાજપના “વગદારોના છાપરા” પણ તોડી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ દબાણ હટાવ ઝુંબેશ દરમીયાન બસ સ્ટેશન રોડ પાસે આવેલ દૂકાનો, લારી-ગલ્લા વાળા તેમજ જનતાઘર હોટેલ, ચાકી વાળી મસ્જિદ સામે વગેરે જગ્યાએ છાપરા, કેબીનોના દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કામગીરી દરમ્યાન પોલીસ અને વ્યાપારીઓ વચ્ચે પણ ચકમક સર્જાઇ હતી.