પચ્છમના ધ્રોબાણામાં પરંપરાગત “જામોતર”ની પાઘવિધી યોજાઈ
ભુજ : કચ્છ જિલ્લામાં રાજાશાહી સમયે કચ્છ રાજની વિશેષ શાસન પ્રણાલી અમલમાં હતી. જે અંતર્ગત આમુક ચોકકસ વિસ્તાર કે ગામોના જામ અને જામોતરની નિમણૂંક કરવામાં આવતી. જેને ટીલાટ વિધી કહેવામાં આવતી. જામ એટલે કચ્છ રાજ દ્વારા નક્કી કરેલ અમુક ચોકકસ વિસ્તાર કે ગામોના વડા કહેવાતા, જે પદવી પેઢી દર પેઢી તેમના વંશ વેલાને મળતી. જામના કાર્યક્ષેત્ર હેઠળ જામોતરની પાઘ પહેરાવી અમુક ચોકકસ વિસતારના વડા તરીકે નિમણૂંક કરવામાં આવતી. આ રાજાશાહી સમયની કચ્છ રાજની વહીવટી સરળતા માટેની શાસન વ્યવસ્થા હતી. જે ભારત દેશમાં લોકશાહી શાસન આવતા પરંપરા બનીને રહી ગઇ છે. આ પરંપરા કચ્છમાં હિન્દુ રાજપુતોમાં ખાસ કરીને જાડેજાઓ દ્વારા હજી પણ પરંપરાગત રીતે પાઘ પહેરાવી ટીલાત વિધી કરી હાલમાં પણ જાળવી રાખવામાં આવી છે. તો મુસ્લિમોમાં સમા સમુદાયના લોકો કે જે બન્ની પચ્છમ વિસ્તારમાં વસે છે, તેઓ દ્વારા પણ આ પરંપરા નિભાવવામાં આવે છે. જે ખરેખર કચ્છની કોમી એકતાની બેજોડ મિશાલ છે.
ધ્રોબાણાના છવ્વીસમાં જામોતરનું અવસાન થતા પચ્છમ સમા સમાજની રાજાશાહી વખતની પરંપરા મુજબ આજે ધ્રોબાણા મધ્યે પચ્છમ ધ્રોબાણાના સત્યાવીસમાં જામોતરની પાઘ વિધિ કરવામાં આવી હતી. આજે પચ્છમના ટીલાત જામ અભેરાજજીએ ધ્રોબાણાના જામોતર તરિકે મોડજી ઉમર સમાની પાઘ પહેરાવી અને તલવાર આપી નિયુક્તી કરી હતી. આ પ્રસંગે જામ સાહેબ સાથે અન્ય વિસ્તારોના જામોતરો તથા કુરનના સોઢા જામોતરે પણ પાઘ પહેરાવી હતી. આ પ્રસંગે પચ્છમ વિસ્તારના સમા ભાયાતો તથા સુમરા, લોહાણા તેમજ દલિત સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ઉમર સેરમામદ સમા દ્વારા કરવામાં આવ્યું હતું.