અદાણી સંચાલિત જી. કે. દ્વારા અમદાવાદ રીફર થતા 70% ગંભીર અકસ્માત ગ્રસ્તોની લાશો પાછી આવે છે : રફીક મારા
ભુજ : અહીંની જી. કે. જનરલ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સેવા માટે અને દર્દીઓના હકક માટે કાયમી અવાજ ઉઠાવતા સામાજિક અને રાજકીય આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવતા રાજકીય આગેવાનો અને વિપક્ષ કોંગ્રેસે તેની તીખી પ્રતિક્રિયા આપી છે. સામાજિક કાર્યકરોને માથાભારે ગણાવનાર ઇમરજન્સીના ડોકટરોને જ બીન અનુભવી ગણાવી ઈન્ટરનલ અને રેસીડેન્ટ ડોકટરો મારફતે હ્રદય અને મગજની ગંભીર બીમારીઓની સારવાર કરાવનાર જી.કે. નું અદાણી મેનેજમેન્ટ પોતાની નિષ્ફળતા છુપાવવા રાજકીય આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી હીટલરશાહી ચલાવી રહ્યું હોવાના આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારા તથા વી. કે.હુંબલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને કરવામાં આવ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સના આરંભે જિલ્લા પંચાયત વિપક્ષી નેતા જી. કે જનરલ હોસ્પિટલના મેનેજમેન્ટ પ્રત્યે આક્રોષ વ્યકત કરતા જણાવ્યું કે રાજકીય આગેવાનોની પ્રવેશ બંધીનો નિર્ણય મનમાની ભર્યો અને તઘલખી છે. તેમણે ટ્રોમા સેન્ટર કાર્યરત ન હીવાથી દરરોજ અનેક ગરીબ દર્દીઓના મોત અંગે જી.કે. પર પ્રહાર કર્યો હતો. ત્યાર બાદ પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારાએ સનસની ખેજ આક્ષેપ કરતા જણાવ્યું કે ગંભીર અકસ્માતના કિસ્સામાં 70% દર્દીઓ પરત જીવતા પહોંચતા નથી. કારણ કે અમદાવાદ પહોંચતા છ કલાક જેટલો સમય લાગે છે. જેથી માથામાં થયેલ ઇજાનો લોહી સુકાઇ જાય છે. અને દર્દીના મોતની શક્યતા વધી જાય છે. કાયમી ન્યુરો સર્જન લાવી ટ્રોમા સેન્ટર ચાલુ કરવાની માંગ ઉઠાવી હતી. 30% દવાઓ બહારથી આપવામાં આવે છે. અદાણી ગૃપ પવનચક્કીઓ ના માધ્યમથી કચ્છમાં કરોડોની આવક મેળવી રહયું છે. તે પ્રમાણે સી.એસ.આર ના કરોડો રૂપિયા સામાજિક ઉતરદાયીત્વમાં વાપરવાના હોય તેની જગ્યાએ અદાણી મેનેજમેન્ટ સમાજસેવી બનવાનું ઢોંગ કરી રહ્યું છે તે વ્યાજબી નથી. ICU, MICU, NICU, જેવા વિભાગો જ્યાં ગંભીર દર્દીઓ દાખલ હોય છે. ત્યાં બિન અનુભવી ઇન્ટરનલ અને રેસીડેન્ટ ડોકટરો તેમજ બિન પ્રમાણીત નર્સોની હાજરીના કારણે કચ્છની ગરીબ પ્રજા ભોગ બની રહી છે. આટલા વર્ષો પછી પણ નયુરો સર્જન, યુરો સર્જન, કાર્ડીયોલોજીસ્ટ ડોકટરો જી. કે. માં ન હોવાથી ઘરબાર અને દાગીના વેચીને ગરીબ લોકોને ખાનગી સારવાર લોકોને કરાવી પડે છે. ટ્રોમા સેન્ટર ન્યુરોલોજીસ્ટ અને તેની ઓપરેશન સીસ્ટમ જ ન હોવાથી અકસ્માતના કિસ્સા માં 70% દર્દીઓના મોતનો ગંભીર આક્ષેપ કર્યો હતો. એક વ્યક્તિની ભુલના કારણે રાજકીય આગેવાનોને હોસ્પિટલમાં પ્રવેશવાનો પ્રતિબંધ લગાડી સત્તાનો દુરુપયોગ કરાયો છે. જી. કે. ના ગેરવહિવટ સામે વિપક્ષનો અવાજ દબાવવાનો અને દર્દીઓની પીડા જાહેર ન થાય તેવા પ્રયાસો અદાણી જુથ કરી રહ્યું છે. અગાઉ પણ 111 બાળકોના મોત મુદે રજૂઆત કરાઇ છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો લોક હીતમાં આંદોલન કરી ઉપવાસ ધરણા તેમજ હાઇકોર્ટ સુધી જવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે.
આ તકે સ્વાગત પ્રવચન જિલ્લા પ્રવક્તા દિપક ડાંગરે કર્યું હતું. પત્રકાર પરિષદમાં ગની કુંભાર, ડો. રમેશ ગરવા, માનસી શાહ, મુબારક મોકરસી, આકીબ સમા, વગેરે હાજર રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સનું સમગ્ર આયોજન કાર્યાલય મંત્રી ધીરજ ગરવા અને સહેજાદ સમાએ કર્યું હતું.