ખેડુતો પાસેથી પાક વીમાના ફરજીયાત રૂપિયા ભરાવ્યા પછી વીમો આપવાનો વારો આવતા કંપનીનો ઉં…હૂ..
ભુજ : કચ્છ જિલ્લામાં દુષ્કાળ જાહેર થયો હોવાથી વીમાં કંપની એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડીયા પ્રા. લી. દ્વારા મંજુર થયેલ પાકવીમાની રકમ હજી સુધી ખેડુતોના ખાતામાં જમા ન થઈ હોવા બાબતે આજે જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી કે હુંબલ તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આવેદનપત્ર પાઠવાયું હતું.
આ સમગ્ર મામલે પત્રકારો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મંજુર થયેલ પાકવીમાની 25% રકમ દિવાળી સુધી જમા થશે તેવી ગુજરાત સરકારે જાહેરાત કરી હતી. આ રકમ પણ આજ દિવસ સુધી કંપની દ્વારા જમા કરાવેલ નથી. જેમાં ખાસ કરીને અંજાર, અબડાસા અને લખપત તાલુકાના ખેડૂતોને આ પેટે એક રૂપીયો પણ મળેલ નથી. જિલ્લાના 25000 જેટલા ખેડુતોએ પાક વીમો ભરેલ છે. છેલ્લા ત્રણ વર્ષથી કંપની દ્વારા ખેડુતો પાસેથી પાકધીરાણ લેતી વખતે ફરજીયાત 5% લેખે વીમાની રકમ કાપી લેવામાં આવતી હતી. પહેલી વખત જ્યારે પાકવીમો આપવાની વાત આવતા ગલ્લા તલ્લા કરી ખેડુતોના નાણા ઉસેડી જવાનો કંપનીનો ઇરાદો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે સરકારે દુષ્કાળ જાહેર કર્યો ત્યારે પાકવીમાના ક્રોપકટીંગ ખૂદ વીમા કંપનીના અધિકારીઓ તેમજ સરકારી અધિકારીઓ દ્વારા સંયુક્તમાં કરવામાં આવ્યું છે. જે મુજબ જેટલો પાકનો ઉતારો ઓછો આવે તે પ્રમાણે વીમાની રકમ મંજુર થતી હોય છે. આ વર્ષે કચ્છ દુષ્કાળ ગ્રસ્ત જાહેર થયેલ છે જેથી પાકની 100% રકમનો વીમો આપવો જોઈએ. તેની સામે 25 થી 30% વીમો મંજુર થયેલ છે તે રકમ પણ ખાનગી વીમા કંપની આપવામાં ઉં…હૂં… કરી રહી છે. વીમા કંપની દ્વારા અમુક તાલુકાઓમાં પ્રથમ હપ્તા પેટે 25% રકમ જમા કરાવેલ છે. પણ અંજાર, લખપત અને અબડાસાના 5000 ખેડુતોના ખતામાં પાકવીમાનો એક પણ રૂપિયો જમા થયેલ નથી. આ રૂપિયા જમા કરવાની સમય મર્યાદા મોડામાં મોડી ડિસેમ્બર મહિના સુધી હતી જેને પણ હાલ આઠ માસ થઈ ગયા છે. આ વિમાં કંપની પૈસા ન ચૂકવવા માટે અધિકારીઓ દ્વારા ક્રોપકટીંગ બરોબર ન થયો હોવાનું ખોટું કારણ આગળ ધરી અને અપીલમાં જઇ ને ખેડુતોને પ્રતાડીત કરી રહી છે. લગભગ 71 કરોડ જેટલી પાકવીમાની રકમ ખેડુતોના ખાતામાં જમા કરાવવાની બાકી છે. તેમજ આ રકમ સમય મર્યાદામાં જમાં ન થાય તો 12% પેનલ્ટી સાથે રકમ આપવાની પણ જોગવાઈ છે. આ બાબતે ખેતી શાખાએ વીમાં કંપનીને 14 નોટીસો આપવા છતાં કંપની નાણા ચુકવવા ન પડે તે માટે ખોટી અપીલો કરી ખેડુતોને અન્યાય કરી રહી છે.
સમગ્ર ગુજરાતનાં ખેડુતો પાકવીમા મુદે વીમા કંપનીઓના અન્યાય સામે ન્યાય મેળવવા આંદોલન કરી રહ્યા છે. આવનારા સમયમાં જો પાકવીમાની રકમ ખેડુતોને નહીં મળે તો સમગ્ર કચ્છ જિલ્લાના ખેડુતોને સાથે રાખી જલદ આંદોલન કરવામાં આવશે તેવું જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી કે હુંબલ તથા જિલ્લા કોંગ્રેસે પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.