વિપક્ષના પ્રયાસોથી 40 લાખના ખર્ચે ટપ્પર ગામ માટે પાણી વિતરણ યોજના મંજૂર
અંજાર : કચ્છ જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી કે હુંબલ તેમજ ટપ્પર તાલુકા પંચાયત સદસ્ય શામજી ભુરા આહિરના પ્રયાસો અને રજૂઆતોના કારણે વાસ્મો દ્વારા 40 લાખ રૂપિયાના ખર્ચે પાણી વિતરણ યોજના મંજૂર કરવામાં આવી છે.
આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા દિપક ડાંગર દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે ગાંધીધામ શહેર તેમજ અન્ય વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી પુરૂં પાડતું હોય તે એ ટપ્પર ડેમ છે. પરંતું જે પાદરમાં ટપ્પર ડેમ છે તે જ ગામના લોકોને પાણી મળતું નથી. જેથી લોકો ખૂબજ પરેશાની વેઠી રહ્યા છે. ટપ્પર ગામ વર્ષોથી કોંગ્રેસ તરફી રહેતો હોવાથી આ ગામ રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યું છે. સત્તા પક્ષ દ્વારા આ ગામને સતત અન્યાય કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી કે હુંબલ તથા આ વિસ્તારની તાલુકા પંચાયત સીટના કોંગ્રેસ પક્ષના સદસ્ય શામજી ભુરા આહિર દ્વારા આ સમસ્યા મુદે યોગ્ય કરવા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇ વાસ્મો દ્વારા 29.15 લાખના ખર્ચે ઓવર હેડ ટેંક તેમજ 10 લાખ રૂપિયાની પાણીની લાઇન એમ 40 લાખ જેટલી રકમ મંજૂર કરવામાં આવી છે. આ યોજનામાં 10% લોક ભાગીદારી આપવાની હોય છે. આ તમામ રકમ વિ કે હુંબલ, શામજી ભુરા આહિર તથા હિરાબાઇ રબારી દ્વારા ભરપાઇ કરવામાં આવેલ છે.
ટપ્પર ગામ માટે આ પાણી યોજના મંજૂર થતા પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ થઇ જશે. આ યોજના મંજૂર થતા વિસ્તારનાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહયું છે. તેમજ લોકો દ્વારા આ યોજના મંજૂર કરાવવા બદલ કોંગ્રેસના આગેવાનોનો આભાર માનવામાં આવ્યો છે.