સરહદ ડેરીમાં ભ્રષ્ટાચાર, ખનીજ ચોરી, નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચાર જેવા મુદે છેલ્લે સુધી લડી લેવા જિલ્લા કોંગ્રેસનો નિશ્ચય
ભુજ : આજે જિલ્લા કોંગ્રેસની કારોબારી મિટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં જિલ્લા કોંગ્રેસે પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ અધ્યક્ષ સ્થાનેથી ભાજપ સરકારની નિષ્ફળ નિતિઓને ખુલ્લી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે નર્મદા યોજનાની કેનાલોમાં ભ્રષ્ટાચાર, ખેડુતોને ફસલ વીમા મુદે કંપનીઓ દ્વારા થતો અન્યાય, વરસાદ પહેલા આગોતરી કામગીરીમાં સરકારની વિલંબ ભરી નીતિ, સરહદ ડેરીમાં ચાલતો ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ તથા રાજકીય કિન્નાખોરી, ખનીજ તથા પર્યાવરણનો વિનાશ, પવનચક્કીઓ દ્વારા આડેધડ જમીન પર કબ્જાઓ વગેરે મુદે અંતિમ લક્ષ્ય સુધી કોંગ્રેસના આગેવાનોને સંગઠિત થઈ પ્રજાનાં પ્રશ્ને લડી લેવા અનુરોધ કર્યો હતો. તેમજ પ્રમુખ તરિકે એક વર્ષ પૂર્ણ કરતા આગેવાનો- કાર્યકરોનો આભાર માન્યો હતો. નવા વર્ષે નવી ઊર્જા સાથે કોંગ્રેસ પક્ષને મજબુત કરવા લોક સંપર્ક વધારી ગામડાઓના પ્રવાસ ખેડવા પર ભાર મુક્યો હતો. જિલ્લા પ્રભારી હીરા ભાઇ જોટવાએ કોંગ્રેસ પક્ષના અમુલ્ય વારસાની નોંધ લઇ જવાહરલાલ નેહરૂ, ઇન્દીરાજી, રાજીવજી અને સોનીયાજી વગેરેનો દેશના વિકાસમાં અવિસ્મરણીય ફાળો હોવાનું જણાવ્યું હતું. તેમજ કશ્મીર ભારતો અભિન્ન અંગ જવાહરલાલ નેહરૂના કારણે હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. જેથી કોંગ્રેસ પક્ષની વીચારધારનું પ્રચાર પ્રસાર કરી ભાજપના ભ્રામક પ્રચાર સામે પ્રજામાં લોકજાગૃતિ કેળવવા પર ભાર મુક્યો હતો. ઉપસ્થિત આગેવાનોએ હાર જીત ગૌણ સમજી નાસીપાસ ન થઈ અને ફીનીક્ષ પક્ષીની જેમ રાખમાંથી ઉભા થઇ ભાજપને પરાજિત કરવાની વાત કરી હતી. આવનારા તાલુકા જિલ્લા પંચાયતની ચુંટણીમાં પ્રજા સાથે સંપર્ક વધારી પ્રજાકીય પ્રશ્નો માટે અસરકારક ભુમીકા ભજવા જણાવ્યું હતું. આ જિલ્લા કારોબારીમાં પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રભારી હીરાભાઈ જોટવા, પ્રદેશ મંત્રીઓ રફીક મારા, અરજણ ભુડીયા, રવીન્દ્ર ત્રવાડી, ભરત ઠકકર તેમજ સીનીયર આગેવાનો ઉષાબેન ઠકકર, આદમ ચાકી, ઇબ્રાહિમ મંધરા, વાલજી દાનીચા અને જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કોંગ્રેસના હોદેદારો તથા કાર્યકરો હાજર રહ્યા હતા.