હાજીપીર અને આસપાસના પૂર પ્રભાવિત ગામના લોકોને વ્હારે આવવા કોંગી અગ્રણીની તંત્રને રજૂઆત
ભુજ : તાલુકાના નાના લુણા, મોટા લુણા, ભગાડીયા અને હાજીપીર ગ્રામ પંચાયત હેઠળ આવતા ગામના લોકો વરસાદના કારણે કમર સુધી પાણી ભરાતા પોતાની ઘરવખરી મુકી, જીવ બચાવી અને નખત્રાણા તાલુકાના ઉઠમણી તેમજ નરા રોડ પર આવેલ ડુંગરો પર કાચી તાળપત્રી બાંધી રહી રહ્યા છે. આ લોકોની પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ આદમભાઈ ચાકીએ નખત્રાણા તાલુકા પંચાયત સદસ્ય આદમ લાંગાય સાથે મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું છે કે સ્થળ પર કોઈ તલાટી આવેલ નથી અને રીપોર્ટમાં જણાવ્યું કે અહીં લોકોને કાંઇ પણ વસ્તુની જરૂરિયાત નથી. આ બાબત દાજયા પર ડામ જેવી છે. જયારે હકીકત એમ છે કે ચાર પંચાયતો હેઠળ આવતા ગામના લોકો પોતાના ઘર મુકને ડુંગર પર વસવાટ કરી રહ્યા છે. તેમજ આ લોકોના 40-50 ઢોરો પણ મૃત્યુ પામ્યા છે. આ બાબતે અગ્રણીઓ દ્વારા એડીશનલ કલેક્ટર ઝાલા સાહેબને ફોટોગ્રાફ સાથે ર વીગત વાર રજૂઆત કરી હતી. ઝાલા સાહેબે તંત્ર દ્વારા આ લોકોને તત્કાલ સહાય કરવાની ખાતરી આપી છે. તેમજ ભુજ તાલુકા વિકાસ અધિકારીને પણ રૂબરૂ રજૂઆત કરાતા તેઓએ પણ તલાટી તેમજ અધિકારીઓની ટીમ સર્વે કરવા મોકલી અને કાલ સુધી તમામ લોકોને ઘરવખરી માટે જરૂરિયાતની તમામ ચીજ વસ્તું અને સહાય આપવા ખાતરી આપી હતી. જે બદલ પ્રદેશ કોંગ્રેસ પૂર્વ ઉપપ્રમુખ આદમ ચાકી, અખિલ કચ્છ સુન્નિ મુસ્લિમ હીતરક્ષક સમીતીના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રાએ તંત્રનો આભાર માનયો હતો.