અનઅધિકૃત બાંધકામ કરનાર રાજકીય વગ ધરાવતા બિલ્ડરોના બાંધકામ તોડવામાં આવશે ?
ભુજ : છેલ્લા ઘણા સમયથી, “ઘણા સમય” થી કહેવું યોગ્ય નહીં ગણાય પણ ઘણા વર્ષોથી ભુજ, માધાપર, મીરઝાપર સહિત ભાડાની હદમાં આવતા વિસ્તારોમાં અનઅધિકૃત બાંધકામ થઈ રહ્યા હોવાની ઢગલાબંધ ફરિયાદો સામાજિક કાર્યકરો તેમજ એકટીવીસ્ટો દ્વારા ઉઠવા પામી છે. પણ ભાડા ફક્ત “કાગનો વાઘ” બની ગયું હોય તેમ આવા બાંધકામ કરનારાઓને કાગળ પર નોટીસ પાઠવી અને કોઈ પણ જાતની મશીનરીનો ઉપયોગ કર્યા વિના અનઅધિકૃત બાંધકામોને કાગળ દ્વારા તોડી પાડેલ છે. વાંચનારાઓને આશ્ચર્ય સાથે એક સવાલ ઉભો થશે કે કાગળથી બાંધકામ કેવી રીતે તુટે ? આ અશક્ય કામ ભાડાના અધિકારીઓએ શક્ય કરી બતાવ્યું છે. અનઅધિકૃત બાંધકામ સામે સામાજિક કાર્યકર કે એકટીવીસ્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવે ત્યારે ભાડાનાં અધિકારીઓ નોટીસ પાઠવીને જણાવે છે કે “તમે આધાર પુરાવા રજૂ કરો કે આ બાંધકામ નિયમ મુજબ થઈ રહ્યો છે, જો 7 દિવસમાં અથવા 15 કા મહિના દિવસમાં આધાર પુરાવા રજૂ નહીં થાય તો આ બાંધકામને સત્તા મંડળ મુળ સ્થિતીમાં લાવશે.” આવી નોટીસોને દિવસો નહીં પણ વર્ષો વીત્યા છતાંય બાંધકામ કરનારાઓએ આધાર પુરાવા રજૂ કર્યા નથી. તો સત્તા મંડળ ભાડા પણ બાંધકામોને મુળ સ્થિતીમાં લઇ આવ્યું નથી. માટે માનવું પડે કે ભાડાએ કાગળથી અનઅધિકૃત બાંધકામો તોડી પાડેલ છે. વહીવટી તંત્રના આવા વહીવટના કારણે ઘણાં સમયથી સામાજિક કાર્યકરો અનઅધિકૃત બાંધકામો તોડી પાડવાની માંગ સાથે ધરણા, આનસન, આમરણાંત ઉપવાસ, ઇચ્છા મૃત્યુ, આત્મવિલોપન જેવા લોકશાહીના હથીયારો તંત્ર સામે ઉગામતા ભુજ શહેરમાં બે દિવસથી ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ભાડા) દ્વારા અનઅધિકૃત બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રથમ નજરે તો વહીવટી તંત્ર સામે એકટીવીસ્ટોની લડતની જીત થઈ હોવાનું આભાસ થાય છે. પણ અનઅધિકૃત બાંધકામો સામે લડત ચલાવનારા એકટીવીસ્ટોમાં થતી ચર્ચાઓ પર ધ્યાન આપીએં તો આ કાર્યવાહીએ એકટીવીસ્ટો સાથે થયેલું તંત્રનું મોટું છળ-કપટ હોવાનું જણાઇ આવે છે. કારણ કે ભાડા દ્વારા અનઅધિકૃત બાંધકામ તોડવાની કાર્યવાહિ નાના બાંધકામો પર થઈ રહી છે. ખરેખર રાજકીય પીઠબળ ધરાવતા મોટા ગજાના “બાગડ બિલ્લા” બિલ્ડરોના અનઅધિકૃત બાંધકામો તોડવામાં આવતા નથી. ભુજ, માધાપર અને મીરઝાપર સહિત ભાડાની હદમાં આવતા વિસ્તારો માં આવા અનેક બાંધકામ થઈ ગયેલ છે અને હાલ પણ અવિરત પણે ચાલુ છે. આ પૈકી અમુક કિસ્સાઓમાં બાંધકામો તોડી પાડવા કોર્ટના આદેશો તો આમુક બાંધકામો સામે કાર્યવાહિ કરવા જિલ્લા સ્વગત કાર્યક્રમોમાં પણ આદેશ થયેલ છે. ભારતીય બંધારણે સમાન ન્યાયનો અધિકાર આપેલ છે, પરંતુ મોટા માથાઓ ભારતીય બંધારણથી પણ ઉપર છે તેવું ગણી વહીવટી તંત્ર તેમના અનધિકૃત બાંધકામો અને દબાણો સામે કાર્યવાહી કરવાને બદલે આવા મોટા માથાની સેવામાં ‘સદાય તત્પર’ રહે છે. જેથી આવા રાજકીય વગ ધરાવતા બિલ્ડરોના બાંધકામો સામે કાર્યવાહિ કરી તોડવામાં આવતા નથી તેવી ચર્ચા લડત ચલાવનાર એકટીવીસ્ટોમાં થઈ રહી છે. ત્યારે એક પ્રશ્ન ઉભો થાય છે કે અનઅધિકૃત બાંધકામો કરનાર “બાગડ બિલ્લા”ઓના બાંધકામો તુટશે ? કે હંમેશાની જેમ આવા બાંધકામોને ભાડા બુલડોઝર નહીં પણ કાગળથી તોડશે ?