કચ્છી નવા વર્ષ અષાઢી બીજ વિશે જાણો રસપ્રદ વિગતો
ભુજ: આજે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ. વરસાદ, ધાર્મિક પરંપરા અને કચ્છી કેલેન્ડર અને કચ્છના રાજવંશ સાથે જોડાયેલા આ દિવસનું અનેક રીતે મહત્વ છે. સમગ્ર ભારતના અલગ અલગ પ્રાંતમાં, ધર્મમાં તથા સમગ્ર વિશ્વમાં અલગ અલગ ઘટના ને ધ્યાનમાં રાખીને નવા વર્ષની ઉજવણી થાય છે. એજ રીતે કચ્છના નવા વર્ષ અને ત્યાં સ્થપાયેલ જાડેજા વંશનું આ નવું વર્ષ છે.
જાડેજા વંશના પૂર્વજો સિંધમાં જામ ઉન્નડની છઠ્ઠી પેઢીએ થયેલા ‘જામ જાડો’ ગાદી પર આવ્યા. પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાથી ભાઈ વેરેજીના પુત્ર લાખાજીને દતક લીધો. ઘણા વર્ષો પછી જામ જાડાને ઘેર કુવાર ઘાઓજીનો જન્મ થયો. મોટા થયા પછી જામ લાખાજી અને કુંવર ઘાઓજી વચ્ચે તકરાર થતા. જામ લાખાજી પોતાના જોડિયા ભાઈ લાખીયાર સાથે રણની પેલે પાર કચ્છ આવ્યા.
ઈ.સ. ૧૧૪૯માં પોતાના ભાઈ લાખીયારના નામ પરથી કચ્છમાં એક ગામનું તોરણ બાંધે છે. (હાલના નાખાત્રના નજીક) અહિયાથી કચ્છમાં જાડેજા રાજનો પ્રારંભ થાય છે. જાડેજા અટક પાછળનું મૂળ કારણ પણ જામ જાડા હતા. જામ જાડાએ દતક લીધેલ પુત્ર એટલે જામ લાખો તેથી તે ‘જાડાનો’ પુત્ર કહેવાય. આ વાતનો એક દુહો પણ પ્રખ્યાત છે.
લાખોને લખધીર બને જન્મ્યા જાડા,
વેરે ઘર લાખો વડો જે ધું જાડેજા.
(લાખો ને લખધીર બેઉ બેલડા/જાડા જનમ્યા, વેરેજીનો લાખો મોટો દિકરો જાડેજા થયો. )
રણ દરીયો અને લીલીછમ ખેતીનું સમન્વય ધરાવતા કચ્છની પ્રજા અષાઢી બીજની ઉલ્લાસથી ઉજવણી કરે છે. રાજાશાહીમાં રાજદરબારમાં ભારે દબદબાભેર ઉજવણી થતી. રાજદરબારમાં શાસક કે રાજવીને તેમના વહીવટકારો, અગ્રણીઓ, મહાજનો, શ્રેષ્ઠીઓ ભેટ સોગાદ તેમના ચરણમાં મૂકી વંદન કરે. રાજ્યની કચેરીઓ, શાળાઓમાં સાકરના પડા વહેંચાય. કેટલાક અમલદારો રાજવીના ચરણમાં ચલણી નાણા અને શ્રીફળ મૂકીને શુભેચ્છા વ્યક્ત કરે. લોકો રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી દેવદર્શને જાય. વડીલોના ચરણે સાકર શ્રીફળ મૂકી વંદના કરે. મંદિરોમાં મળસ્કે મંગળા આરતી ગાજી ઊઠે નોબત અને ઘંટારવનો નાદ તો દૂર સુધી સંભળાય.
દરિયાકાઠે વસનારા નાવિકો પોતાના વહાણોને શણગારે. અષાઢી બીજે દરિયાદેવનું અક્ષત, ચંદન, પુષ્પથી પૂજન કરી શ્રીફળ વધેરે. પ્રત્યેક સતી શૂરાના પાળિયાને સીંદુર લગાવી ઘૂપ-દીપ નૈવેદ્યથી પૂજન અર્ચન કરે. આજે પણ કેટલાક લોકો આવું પૂજન અર્ચન કરે છે. આ શુભદિને ભુજની ટંકશાળમાંથી સોના કે ચાંદીના પાંચિયા કે કોરીના સિક્કા બહાર પાડવામાં આવતા. ‘કચ્છી અષાઢી પંચાંગ’ પણ બહાર પાડવામાં આવતું. ભુજમાં દરબારગઢમાં આતશબાજી થતી. કચ્છમાં વ્યાપારીઓ ચોપડા પૂજન કરતા.હાલના આધુનિક યુગમાં પણ દેશ અને વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર આવા જ ઉત્સાહ થી ઉજવે છે. ભલે ઉજવણી રીત આજે કદાચ જુદી હશે પરંતુ તેનો આનંદ તો એક જ હશે..