હટડી બસ સ્ટેન્ડમાં ગેરરીતિ : RTI થી લોકઉપયોગી કામ કેવી રીતે થાય તેનું ખૂબ સરસ દાખલો…
મુન્દ્રા: આજે આખા દેશમાં RTIના સુધારાને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે RTI મજબૂત રહેશે તો સરકારી ગ્રાન્ટમાં થતા ભ્રષ્ટાચાર અટકાવી શકીશું.
વાત જાણે એમ છે કે મુન્દ્રા તાલુકાના હટડી ગામે માંડવી મુન્દ્રાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હટડી ગામનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલ હતું. આ બસ સ્ટેન્ડ બની ગયા પછી હટડી ગામના જાગૃત નાગરિક જયપાલસિંહ જાડેજાએ બસ સ્ટેન્ડના કમ્પ્લીશન સર્ટી અને એસ્ટીમેન્ટની કોપી RTI અંતર્ગત માંગી હતી જેમાં એમને કમ્પ્લીશન સર્ટી અને એસ્ટીમેન્ટ ચકાસતા ખબર પડી કે આ બસ સ્ટેન્ડના તળિયામાં કોટા સ્ટોન નાખવાનો હતો જે કોન્ટ્રાક્ટર દ્વારા નાખવામાં આવેલ નથી. તેને લઈને તેમણે ગાંધીનગર તકેદારી આયોગમાં ફરિયાદ કરી હતી કે આ બસ સ્ટેન્ડમાં બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયેલ છે. આ ડોક્યુમેન્ટની ચકાસણી કરતા તકેદારી આયોગને એવું લાગ્યું કે હકીકતે આમાં કંઈક ગરબડ છે એટલે તેમણે જિલ્લા પંચાયતને આ તપાસ કરવાનો ઓર્ડર કરેલા જિલ્લા પંચાયતે તાલુકા પંચાયતને તપાસ કરવા માટે પત્ર લખીને જણાવેલ તાલુકા પંચાયતે તલાટીને તપાસ કરવાનો પત્ર લખેલ પરંતુ હટડી ગ્રામ પંચાયત દ્વારા એકતરફ અભિપ્રાય આપીને અરજદારની ગેરસમજણ છે અને આ કામમાં કંઈ ગરબડ થયેલ નથી તેઓ અભિપ્રાય મોકલી આપવામાં આવેલ હતો.
જેને લઇને જયપાલસિંહ દ્વારા તપાસ રિપોર્ટની RTI માંગવામાં આવેલી ત્યારે જિલ્લા પંચાયત દ્વારા ફરીથી તાલુકા પંચાયતને પત્ર લખીને જાણ કરવામાં આવેલી કે અરજદારનું નિવેદન તપાસ રિપોર્ટમાં લેવામાં આવેલ નથી તો અરજદારનું નિવેદન લેવામાં આવે અરજદારના નિવેદનમાં અરજદારે સ્પષ્ટ કહેલું કે કમ્પ્લીશન સર્ટીમાં તળિયાના ભાગમાં કોટા સ્ટોન નાખવા માટેની વાત થયેલી છે જ્યારે હકીકતે આ બાંધકામમાં કોટાસ્ટોન નાખવામાં આવેલ નથી તો તે કોટાસ્ટોન નાખવામાં આવે તેવી વાત કરી ત્યારે તપાસ અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટર અને અરજદારને બોલાવીને બસ સ્ટેન્ડ પર બોલાવીને તપાસ કરેલ અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ઓર્ડર કરવામાં આવ્યો કે બસ સ્ટેન્ડના તળિયાના ભાગમાં કોટા સ્ટોન નાખવામાં આવે અને આજે બસ સ્ટેન્ડના તળિયાના ભાગમાં કોટાસ્ટોન નાખવામાં આવ્યા છે. આ કામમાં જયપાલસિંહને RTIના જાણકાર ઉસ્માનગની શેરસિયાએ મદદ કરી હતી. RTI કાયદાનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો સરકારી અધિકારીઓ અને સરકારની ગ્રાન્ટમાંથી બાંધકામ કરતાં કોન્ટ્રાક્ટરો ખોટું કામ કરતા આપણે અટકાવી શકીએ છીએ.