ગટર લાઇન રીપેરીંગ દરમ્યાન ભેખડ ધસી પડવાની ઘટના માટે જવાબદારો સામે માનવ વધનો ગુનો દાખલ કરો…
ભુજ : ગઇ કાલે રાત્રે ભુજ શહેરના નાગોર રોડ રેલ્વે ફાટક પાસે ભેખડ ધસી પડવાની ઘટના માટે જવાબદારો સામે માનવ વધનો ગુનો દાખલ કરવા ભૂજ નગરપાલિકાના સદસ્યા મરિયમબેન એચ. સમાએ નગરપાલિકા કમિશ્નર તેમજ પ્રાદેશીક કમીશ્નરને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે શહેરના નાગોર રોડ રેલ્વે ફાટક પાસે આવેલ વાડી વિસ્તારમાં એકાદ મહીના પહેલા ગટર બેસી ગઇ હતી. આ મુદે પરેશાની વેઠી રહેલ લોકોએ વહીવટી તંત્રમાં તબકકા વાર રજૂઆત કરતા ગટરનું રીપેરીંગ કામ તંત્રએ શરૂ કર્યું હતું. આ કામ દરમ્યાન ગઇ કાલે રાત્રે 11 વાગ્યા આસપાસ ભેખડ ધસી પડી હતી. જેની નીચે ચાર કર્મચારી દબાઇ ગયા હતા. જેમાં એકનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. આ બનાવની તપાસ કરતા જાણવા મળ્યું કે આ કામના કોન્ટ્રાક્ટર પાસે લેબર કોન્ટ્રાક્ટ નો લાઈસન્સ નથી અને શ્રમજીવીઓના જીવન વીમા, અકસ્માત વીમા કે સુરક્ષા ક્વચ લીધા નથી છતાંય તેને કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે. આ માટે જવાબદાર ભુજ નગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ વિરૂધ્ધ શ્રમજીવીનું મોત, અન્ય ઘાયલ શ્રમજીવીઓ ના જીવ જોખમમાં નાખવા બદલ યોગ્ય તપાસ કરી માનવ વધ તેમજ માનવજીવ જોખમમાં મુકવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા માંગ કરાઇ છે.