વિદ્યાર્થીઓને એસ. ટી. બસના પાસ મેળવવા પડતી મુશ્કેલી અંગે સ્ટુડન્ટ યુનીયન કચ્છની રજૂઆત
ભુજ : કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને એસ.ટી. બસોમાં પાસ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાની રજૂઆત સ્ટુડન્ટ યુનીયન ઓફ કચ્છ દ્વારા કરવામાં આવી છે. સ્ટુડન્ટ યુનીયન ઓફ કચ્છના નજીર રાયમાએ રજૂઆતમાં જણાવ્યું છે કે કચ્છ જિલ્લાના દૂર-દૂરના વિસ્તારો માંથી અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ ભુજની શાળા કોલેજોમાં અવર-જવર કરતા હોય છે. જે માટે મુખ્યત્વે એસ.ટી. બસોનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થીઓ દ્વારા આ માટે પાસનો ઉપયોગ કરાય છે. આ પાસ લાંબા સમયથી એસ.ટી. નીગમ દ્વારા ઇશ્યુ કરવામાં આવતા હતા. પણ થોડા સમય આગાઉ આ માટે સરકારે પરિપત્ર જાહેર કરી અને વિદ્યાર્થીઓ જે તે સંસ્થામાં અભ્યાસ કરતા હોય તે સંસ્થાએ પાસ ઇશ્યુ કરવાનો ફરમાન જાહેર કર્યું છે. પરંતુ સંસ્થાઓ દ્વારા પાસ કાઢી આપવામાં ગલ્લા તલ્લા કરી અને સરવર ડાઉન છે, લોગીન નથી થતું, સિસ્ટમ એક્સેપ્ટ નથી કરતી, આ તો એસ.ટી. નું કામ છે જેવા જવાબો અપાય છે. એસ.ટી. વિભાગને કહેવામાં આવે તો તેઓ દ્વારા “આ સમસ્યા અમારી નહીં પણ તમારી શાળા / કોલેજની છે તેવો ઉડાઉ જવાબ આપવામાં આવે છે. આમ એકબીજા પર જવાબદારી નાખતા વિદ્યાર્થીઓને પરેશાની થઈ રહી છે. જેના કારણે તેમના શિક્ષણ પર માઠી અસર થઈ રહી છે. વિદ્યાર્થીઓને પડી રહેલ મુશકેલીનું તાત્કાલિક નિવારણ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે જેની સમગ્ર જવાબદારી તંત્રની રહેશે તેવી ટકોર સ્ટુડન્ટ યુનીયન ઓફ કચ્છ દ્વારા કરવામાં આવી છે.