વિરાણી મોટી માં ગૌચર પર કંપની દ્વારા ઉભા કરાઇ રહ્યા છે જોખમી વીજપોલ : યોગ્ય નહીં થાય તો થશે મોટું આંદોલન
નખત્રાણા : તાલુકાના મોટી વિરાણી ગામે ગૌચર જમીન પર સનરાઇઝ પ્રા. લી. કંપની દ્વારા ગૌચર જમીન પર તેમજ ગામતળ રહેણાંકના વિસ્તારની 100 મીટર ની અંદર હાઇ વોલ્ટેજ ધરાવતા વીજપોલના થાંભલા ઉભા કરાઇ રહયા છે જે જોખમી હોવાનો આક્ષેપ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ ના પ્રમુખ નરેશ મહેશ્વરીએ કર્યો છે. તેઓએ જણાવ્યું કે ગ્રામજનોના કહેવાથી ત્યાં રૂબરૂ સ્થળ મુલાકાત લેતા ગૌચર જમીન પર 13 જેટલા મસમોટા વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. ગૌચર જમીન ગાંયોને ચરતી વખતે વીજપોલથી કોઇ અકસ્માત થાય અને ગાંયોને નુક્શાન થાય તો આ જવાબદારી કોની રહેશે ? તેવો વેધક સવાલ તેઓએ ઉઠાવ્યો છે. આ વિસતારમાં ગામનો તળાવ આવેલ છે તે તળાવમાં પણ વીજપોલ લગાડવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં સારો વરસાદ થાવાથી તળાવ પાણીથી ભરાઇ જાય અને જો વીજપોલ માં ખામી સર્જાય તો સોટ સર્કીટનો જોખમ ઉભો થાય. જેના કારણે તળાવમાં પાણી પીવા પશુઓ આવે અથવા ગ્રામજનો કપડા ધોવા કે પણી ભરવા આવે તો જાનહાની થવાની પુરી શકયતા છે. માટે જિલ્લા કલેકટર અને નખત્રાણા નાયબ કલેક્ટરને તાત્કાલિક ગૌચર જમીન પર કંપની દ્વારા લગાડવામાં આવતા વીજપોલ ખસેડી અને અન્ય જગ્યાએ લગાડી ગૌચર દબાણ ન થાય તેવી તકેદારી રાખવા નરેશ મહેશ્વરીએ જણાવ્યું છે. અન્યથા ગૌચર બચાવવા મોટું જન આંદોલન છેડવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારાઈ છે.