કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના : જેના પર આક્ષેપ થયો, એ જ વિભાગે કૌંભાડની તપાસ કરી..!!
ભુજ: તાલુકાના લુડીયા ગામે આરોગ્ય સબ સેન્ટરમાં ભ્રષ્ટાચાર અંગે ગ્રામજનોએ કરેલી લેખિત રજૂઆત બાદ કરોડોનાં આ બાંધકામ અંગે કરાયેલા આક્ષેપોની તપાસ જીલ્લા પંચાયતનાં તંત્રએ કરી તો ખરી, પરંતું જો તટસ્થ તપાસ થાય તો જે અધિકારીની જવાબદારી નકકી થાય એ જ PIU વિભાગના અધિકારીને જ સઘળી તપાસ સોંપવામાં આવતાં ભ્રષ્ટાચાર અંગે સત્તાધારી પક્ષના નેતાઓ અને અધિકારીઓના વલણ સામે સવાલ ઊઠી રહ્યા છે. લુડીયા ખાતે કરોડોના ખર્ચે તૈયાર થયેલા આરોગ્ય સબ સેન્ટરમાં પાયાથી જ ભ્રષ્ટાચાર આચરાયો હોવા અંગે લેખિત રજુઆત ગામના આગેવાન તૈયબ સુલેમાન નોડેએ કરી હતી.સમગ્ર મામલે તપાસના નિર્ણય બાદ PIU વિભાગને જ તપાસ સોંપવામાં આવી હતી. તપાસ હાથ ધરાયા બાદ તપાસના અહેવાલમાં ઓલ ઈઝ વેલનો દાવો કરવામાાં આવ્યો હતો. વોઈસ ઓફ કચ્છ સાથે વાતચીત દરમ્યાન PIU વિભાગના અધિકારી શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે ગ્રામજનોએ રજૂ કરેલા ફોટોગ્રાફ્સ અન્ય સ્થળના છે..! તેમના આ દાવા બાદ લુડીયા ગ્રામજનોએ તંત્રની નિષ્ઠા સામે સવાલ ઉઠાવી લડત વધુ આગળ લઈ જવાની ચીમકી ઉચ્ચારી છે.અરજદાર તૈયબ સુલેમાને જણાવ્યું કે અગાઉ શાળાના બાંધકામમાં લખલૂંટ ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાક્ટરને ઈનામ અને શાબાશીના ભાગરૂપે સબ સેન્ટરનું પણ કામ અપાયું છે, જેમાં જીલ્લા પંચાયતના અધિકારીઓની મીલીભગત છે તેવા આક્ષેપ સાથે જણાવ્યું કે ભ્રષ્ટાચારના આક્ષેપોની યોગ્ય તપાસ થવી જોઇએ.માત્ર લુડીયા જ નહીં, પરંતું બન્ની-પચ્છમના અન્ય ગામોમાં પણ ચાલી રહેલા આરોગ્ય સબ સેન્ટરોના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરીયાદ લોકો મૌખિક રીતે કરી રહ્યા છે.લુડીયાની શાળા સહિત આરોગ્ય સબ સેન્ટરમાં પણ કોન્ટ્રાક્ટર અને ઈજનેરોની મીલીભગતથી ખૂબ જ નબળું બાંધકામ થયું છે, જેની તપાસ માટે પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરાશે તેમ જણાવ્યું હતું. દરમ્યાન, આ પ્રકરણમાં અરજદારે દાવો કર્યો છે કે ભ્રષ્ટાચારની ચાડી ખાતા તમામ ફોટોગ્રાફ્સ લુડીયા સબ સેન્ટરના જ છે, જેની તમામ સ્તરેથી તપાસ કરવામાં આવે તેવી માંગ તેમણે કરી છે.