ટ્રક-ટ્રાન્સપોર્ટ વ્યવસાયને ખોટા આશ્વાસનો નહિ, સચોટ નિર્ણય જ બચાવી શકશે : H.S. આહીર
ભુજ : કચ્છના ખેતી પછીના સૌથી મોટા વ્યવસાય એવા ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના હાલ ખરાબ દિવસો ચાલી રહ્યા છે. જી. એમ. ડી. સી. દ્વારા એકાએક કચ્છ બહારના વપરાશકારો માટે લિગ્નાઈટ આપવાનું બંધ કરતા કચ્છના આ ઉદ્યોગ પર ફરી કંઇક નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. આ મે મહિનાથી જી. એમ.ડી. સી. દ્વારા પાવર હાઉસ માટે કોલસો અનામત રાખવાના બહાના હેઠળ કોટા ઓછા કરી નાખવામાં આવ્યા. આ બાબતે ટ્રક માલિકો દ્વારા વિરોધ પ્રગટ થતા ટ્રક અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય ના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી અને કચ્છી રાજ્યમંત્રી ના નામે આભાર વ્યકત કરી આગામી ૧૬ મી થી કોટા વધારી આપવાની જાહેરાત કરી આશ્વાસન આપવામાં આવ્યું છે. પરંતુ ટ્રક ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર આ માત્ર લોલીપોપ આપવામાં આવી છે.
આ બાબતે કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિયેશન ના માજી મંત્રી એચ. એસ. આહીરના જણાવ્યા અનુસાર બંને સંગઠનો દ્વારા માત્ર ટ્રક માલિકોને ગેરમાર્ગે દોરવામાં જાહેરાત આપવામા આવી છે. હકીકતમાં જી.એમ.ડી.સી. એ માત્ર સરકારના માનીતા ઉદ્યોગ ગૃહને ફાયદો કરાવવા હાલ પૂરતો કોટામાં કાપ મૂક્યો છે. હાલમાં માત્ર ફ્રી સેલમાં જ કોટા આપવામાં આવ્યા છે. આ ફ્રી સેલના નામે જી.એમ.ડી.સી. અને કેટલાક પરિવહનકારો દ્વારા મીલીભગત કરી લાખો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. અત્યારે જી.એમ.ડી.સી. માં કોલસાનો ભાવ વપરાશકાર માટે ટન દીઠ ૨૦૦૨ અને ફ્રી સેલ માં ૨૧૯૨ રૂપિયા છે. જ્યારે આ જ કોલસો કચ્છમાં કેટલાક મોટા પરિવહન કારો દ્વારા ફ્રી સેલમાં ખરીદી કરી ગાડી દીઠ ૨૫ હજાર જેટલી ઓન લઈ સાચા વપરાશકારોને આપી રહ્યા છે. જે વપરાશકારોને કોલસાની જરૂરિયાત છે એને જી.એમ.ડી.સી. જ સીધો વેચાણ કરે તો સરકારને પણ ફાયદો થાય એમ છે, પણ ખુદ સરકારના એક જાહેર સાહસ એવા આ નિગમ દ્વારા કોલસો આયાત કરનાર ઉધોગપતિનો ઊંચા ભાવે બજારમાં વેચાય એ માટે કોટા આપવામાં આવતા નથી. વધુમાં શ્રી આહીરે જણાવ્યું હતું કે આ કોલસાના નામે કાળી કમાણી કરતા પરિવહનકારો અને નિગમના અધિકારીઓ વિરૃદ્ધ ફરિયાદ પણ કરવામાં આવશે.
એચ. એસ. આહીર ના જણાવ્યા અનુસાર જો મુખ્યમંત્રી કચ્છ પ્રત્યે ચિંતિત હોય તો જે લિગ્નાઇટ ના વપરાશકાર છે એમને જ સીધો માલ વેચવો જોઈએ. હાલમાં સરકારની નીતિના કારણે સસ્તા ભાવનો કચ્છનો કોલસો બંધ કરવામાં આવતા વપરાશકારોએ નાછુટકે ઊંચા ભાવે આયાતી કોલસો સરકારના માનીતા ઉદ્યોગ પાસેથી જ ખરીદ કરવો પડે છે. વળી ફ્રી સેલના નામે જે કોટા આપવામાં આવે છે એ પણ ગાડી દીઠ ૨૫ હજાર જેટલા વધુ આપી માલ મેળવવું પડે છે. જો સરકાર સાચા અર્થમાં કચ્છ પ્રત્યે ચિતિંત હોય તો જે વપરાશકારો આયાતી કોલસો ઉપયોગ કરી રહ્યા છે તેઓને કચ્છમાંથી કોલસાનો કોટા ફાળવવા જોઈએ. જો કચ્છના કોલસાના વધુ કોટા ફાળવવામાં આવશે તો સરકારને મોટી રોયલ્ટી આવક થવાની સાથે કચ્છના હજારો પરિવારોને રોજીરોટી પણ મળશે.
ટ્રક ટ્રાન્સપોર્ટ સંગઠનની રાજ્યમંત્રીને રજૂઆત બાદ મુખ્યમંત્રીએ આ વ્યવસાયના ફરી સારા દિવસો આવશે એવું આશ્વાસન આપવામાં આવ્યું છે, આ બાબતે એચ. એસ. આહીર એ રોષ સાથે જણાવ્યું હતું કે જ્યારે કોટામાં કાપ મૂકવામાં આવ્યો ત્યારે કેમ કોઈ અવાજ ના ઉઠાવ્યો ? હવે જ્યારે ગાડી માલિકો જાગૃત બાકી અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આ રીતે જાહેરાતો આપી ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ. જો ટ્રક ટ્રાન્સપોર્ટ સંગઠનને ટ્રક માલિકો પ્રત્યે હમદર્દી હોય અને ધંધાને બચાવવા માંગતા હોય તો દર મહિને ખાણની મુલાકાત લઈ ત્યાં જે જે સમસ્યાઓ છે તેનુ નિરાકરણ લાવવા પ્રત્યન કરવા જોઈએ. હાલમાં માતાનામડ ખાણમાં ખરાબ રસ્તાઓના કારણે ટ્રક માલિકોને ખૂબ તકલીફ થાય છે અને આર્થિક નુકસાની ભોગવવી પડે છે. વળી ક્યારેક કોઈ આકસ્મિક સમયે ગાડી સમયસર ખાણ પર નથી પહોંચતી એવા સમયે પણ કોઈ ફરિયાદ સાંભળતા નથી.
કચ્છમાં ૫૦ હજાર પરિવારોના આ વ્યવસાયને બચાવવા ગાડી માલિકોએ લાજ શરમ મૂકી અવાજ ઉઠાવવો પડશે.