વિશાળ રોડ શો સાથે ઉમેદવારી નોંધાવી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર નરેશ મહેશ્વરીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ
ભુજ: કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ વિધિવત ઉમેદવારી પત્ર ભરી ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો હતો.ઉમેદવારી પત્ર ભરતા પહેલા સભામાં વિશાળ જન મેદનીને સંબોધન અને ત્યાર બાદ જૈન સમાજવાડીથી કલેકટર કચેરી સુધી રેલી અને રોડ શો દરમ્યાન વ્યાપક જન સમર્થન અને કોંગ્રેસ કાર્યકરોના જોમ અને જુસ્સો જોતા ભાજપની છાવણીમાં ચિંતાનો સળવળાટ તેજ બની ગયો છે.આજે સવારે આરટીઓ રિલોકેશન સાઈટ સામે જૈન સમાજવાડી ખાતે પંદર જેટલા ઢોલીઓએ સાંસ્કૃતિક પોશાકમાં સજ્જ નગારે ઘા પડ્યો હતો.લોકોની ભારે સંખ્યા જોતા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના કાર્યક્રમમાં સીએમની હાજરી અને ઝાકઝમાળ આજે નરેશ મહેશ્વરીના રોડ શો સામે ફિક્કા પડ્યા હોવાની ચર્ચાઓ આજે ભુજમાં ફેલાઈ છે.નામાંકન પૂર્વે નરેશ મહેશ્વરીએ સભાને સંબોધતા જણાવ્યું કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમજ પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ મારા જેવા અદના માનવીને ટિકીટ આપી તે વાત જ સિધ્ધ કરે છે કે કોંગ્રેસ સંપૂર્ણ લોકશાહીને વરેલી પાર્ટી છે.જ્યારે ભાજપ લોકશાહીના મૂળીયા નબળા પાડવા દિવસ રાત ષડયંત્ર રચે છે.”આપણા સાંસદ,તો આપણે સાંસદ “એ સૂત્ર સાથે કોંગ્રેસ દેશની સાથે કચ્છમાં પણ જ્વલંત વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મોરબી-માળીયાની ચિંતા ના કરતા : મોરબી ધારાસભ્ય
મોરબી મત વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આગવી શૈલીમાં કાર્યકરોનો જુસ્સો વધારતા જણાવ્યું કે મોરબી જીલ્લા પંચાયત અને માળીયા તાલુકા પંચાયત હેઠળ આવતા વિસ્તારોની જરા પણ ચિંતા ના કરતા, અહીં કોંગ્રેસનુ પ્રભુત્વ હોવાથી જીત માટે અમે પૂરી તાકાત લગાડીશું
આ લડાઈ બંધારણને બચાવવાની
રાષ્ટ્રીય કોંગ્રેસના લઘુમતિ ડિપાર્ટમેન્ટના પૂર્વ પ્રમુખ ખુરશીદ સૈયદે જણાવ્યું કે આ વખતની ચૂંટણી માત્ર સરકાર બનાવવા નહી, પણ દેશના બંધારણને બચાવવાની લડાઈ છે.જેમાં દેશની જનતા બંધારણ વિરોધી સરકારને ઉખાડી ફેંકશે.દરેક ધર્મ અને જાતિના લોકો કોંગ્રેસ સાથે હોવાનો દાવો તેમણે કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા,જિલ્લા પંચાયત વિપક્ષ નેતા વી.કે.હુંબલ,ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા,સંતોકબેન આરેઠીયા, પ્રદેશ કોંગ્રેસના મંત્રીઓ રફીક મારા, અરજણ ભુડીયા, ભરત ઠક્કર, રવિન્દ્ર ત્રવાડી, સહમંત્રી હાજી અલાના સમા સહિત જિલ્લાના તમામ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.