કચ્છના ચૂંટણી જંગમાં પ્રવિણ તોગડિયાની પાર્ટીની હાજરી રાજકીય સમીકરણો બદલાવી શકશે ?
ભુજ : કચ્છની લોકસભા બેઠક પર કેટલા ઉમેદવારો મેદાનમાં છે તે ચિત્ર સ્પષ્ટ થયા બાદ દરેક રાજકીય પક્ષ પોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત બન્યા છે. રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ માટે હાલ કચ્છમાં પોતાની પાર્ટીનું જોર બતાવવાની સાથે અપક્ષોનો પડકાર ચિંતાનો વિષય બન્યો છે. હિન્દુત્વવાદી નેતા ડો. પ્રવિણ તોગડિયાએ સ્થાપેલા હિન્દુસ્થાન નિર્માણ દલ માંથી ઘડુલીના પી.સી. ચાવડાએ ઉમેદવારી કર્યા બાદ જમીની સ્તરે પ્રચાર કાર્યને વેગ આપી દેવાયો છે. ડો. પ્રવિણ તોગડીયા આગામી સમયમાં કચ્છમાં ચૂંટણી સભાઓ ગજવવાના સમાચાર પ્રસરતા રાજકીય ગરમાવો વધ્યો છે. 2014 કરતા 2019 નુ ચિત્ર કચ્છ લોકસભા બેઠક માટે સાવ અલગ અને ઘણા અંશે કપરા ચઢાણ જેવું હોવાનું રાજકીય પંડીતો માની રહ્યા છે. ડો. પ્રવિણ તોગડીયા આગામી 15 અથવા 16 એપ્રિલે કચ્છમાં ચૂંટણી સભાઓ ગજવવાનું આયોજન ઘડી રહ્યા હોવાની માહિતી મળી છે. ડો. પ્રવિણ તોગડીયાની લડત અને હિન્દુસ્થાન નિર્માણ દળમાંથી પી.સી. ચાવડાની ઉમેદવારી ભારતીય જનતા પાર્ટી માટે સૌથી વધુ ચિંતાનો વિષય બની શકે છે. કારણ કે આ પાર્ટી ભાજપ પર સીધા પ્રહાર કરી રહી છે. હિન્દુસ્થાન નિર્માણ દળના ઉમેદવાર ઘડુલીના પીઢ અગ્રણી પી.સી. ચાવડાએ જણાવ્યું કે છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તામાં હોવા છતાં કચ્છના પ્રશ્નો સળગતા જ રહ્યા છે. દુષ્કાળમાં ડેમો ભરવાની વાત હોય, કિસાનોને પાણી આપવાની વાત હોય કે પછી નલિયા બ્રોડગેજ અને ભુજ-ભચાઉ હાઇવે બ્રીજનો મુદો હોય તમામ વાયદાઓ નિભાવવામાં સત્તાપક્ષ નિષ્ફળ નિવડ્યું છે. 2014માં સાધુ સંતોના આશીર્વાદથી કેન્દ્રમાં ચૂંટાયેલી સરકારે નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોથી પ્રજાને નુકસાન કર્યું હોવાના આક્ષેપ તેમણે કર્યા હતા. આગામી 15 અથવા 16 એપ્રિલના પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ડો. પ્રવિણ તોગડીયા સભાઓ ગજવવા આવશે તેવી શકયતા તેમણે દર્શાવી હતી. વધુમાં પી.સી. ચાવડાએ ઉમેર્યું કે 1987 થી કચ્છની પ્રજા જોતી આવે છે કે ઘડુલી-સાંતલપુર રોડને માત્ર લીલીઝંડીઓ જ મળે છે, પણ કામ આગળ નથી ધપતું, કચ્છના પ્રાણ પ્રશ્નો મુદે પૂરી શક્તિથી હિન્દુસ્થાન નિર્માણ દળ લડશે અને વિજય મેળવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.