કચ્છ ભાજપના યુવા મોરચાનાં અગ્રણી અને કચ્છ યુનિવર્સિટીના સેનેટ મેમ્બરનું નિધન
ભુજ : ભારતીય જનતા પાર્ટીનાં યુવા મોરચાના ઉપપ્રમુખ ઓમપ્રકાશ રાજગોરનું આજે હૃદય હુમલાના કારણે અવસાન થતાં ભાજપ પક્ષના આગેવાનો અને કાર્યકરોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ કચ્છમાં સક્રિય એવા ભાજપના આ યુવા નેતા ઓમપ્રકાશ રાજગોરને એકાએક હર્ટ એટેક આવતા તેમને પહેલા ભુજ અને બાદમાં સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા ત્યાં તબીબો દ્વારા અથાગ પ્રયત્નો કરવા છતાંયે તેમની જીંદગી બચાવવામાં નિષ્ફળતા મળી હતી, અને સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. મૂળ પાનધ્રોના ૩૦ વર્ષીય ઓમપ્રકાશ રાજગોર વિદ્યાર્થી કાળથી જ સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય હતા. ABVP અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં તેઓએ સક્રીય રહી સંગઠનની કામગીરી કરી હતી. પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા જ્યારે કચ્છમાં ABVP મા કાર્યરત હતા ત્યારથી તેમના સાથીદાર તરીકે જોડાયેલા ઓમપ્રકાશ રાજગોરની હાલમાં જ કચ્છ યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર તરીકે રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિ કરાઈ હતી. પાનધ્રો ગામના ઉપસરપંચ રહી ચૂકેલા ઓમપ્રકાશ રાજગોર અત્યારે કચ્છ યુવા ભાજપના ઉપપ્રમુખ હતા. યુવા વયે રાજકીય ક્ષેત્રે ઉમદા કર્યો કરી યુવાઓમાં લોક ચાહના મેળવનાર ભાજપના યુવા નેતા ઓમપ્રકાશ રાજગોરને શ્રદ્ધાંજલિ અર્પતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છ ભાજપે એક યુવા સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યો છે. કચ્છ જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો તથા યુવા મોરચાના આગેવાનોએ ઓમપ્રકાશ રાજગોરની અચાનક વિદાયથી ઘેરા શોકની લાગણી સાથે શ્રધ્ધાંજલી પાઠવી છે.