મૃત્યુ પછી પણ ભાજપની ઉચ્ચ નેતાગીરીને ખૂંચતા કચ્છના “ઇભલા શેઠ” કોણ હતા ? જાણો રોચક વિગતો

7,393

ભુજ : લ્યો… કચ્છના રાજકારણમાં ફરી અબડાસાના મુસ્લિમ આગેવાન ઇભલા શેઠ છવાઈ ગયા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અબડાસાના ઇભલા શેઠ વિશે કરેલી અશોભનીય ટીપ્પણી બાદ વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ નેતા હાજી જુમા રાયમાએ તેમના વિરુદ્ધ ECમાં ફરિયાદ કરી છે. તો ઇભલા શેઠના પુત્ર અબડાસા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ મંધરાએ આ મામલે વાઘાણી સામે માનહાનિનો દાવો કરવાની વાત કહી છે. 2017માં વિધાનસભા ચૂંટણીની પ્રચાર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઘર-ઘરમાં ઇભલા શેઠનું નામ હતું’ એવી ટીપ્પણી પોતાના ભાષણમાં કરી હતી. પરંતુ જીતુ વાઘાણીએ અસભ્ય ભાષાનો ઉપયોગ કરતા કચ્છમાં ઇભલા શેઠનું નામ ફરી ચર્ચમાં આવી ગયું છે. આખરે ભાજપની ઉચ્ચ નેતાગીરી વારંવાર ઇભલા શેઠનો ઉલ્લેખ શા માટે કરે છે ? ભૂતકાળમાં ઇભલા શેઠ પાસે એવું તો કયું પરિબળ હતું કે તેમના મૃત્યુના પાંચ વર્ષ પછી પણ નેતાઓ તેમના નામના સહારે રાજકીય રોટલા શેકવા મજબુર છે ?

ખરેખર ઇભલા શેઠ અબડાસા પંથકમાં રાજકીય આલમના અજાત શત્રુ હતા. નેતાઓ માટે મુશ્કેલી એ હતી કે તેઓએ કયારે કોઈ નેતાને પોતાના ગુરૂ ન બનાવ્યા અને કોઈ પક્ષનો ખેસ ધારણ કરવાના બદલે સ્થાનિક પ્રજાનું સમર્થન મેળવી હાર-જીત માટે “કિંગ મેકર” સાબિત થતા રહ્યા. અબડાસાના મધ્યમ વર્ગમાંથી આવતા ઇભલા શેઠે પોતાના સરળ, સાલસ સ્વભાવના કારણે ભારે લોકપ્રિય બન્યા હતા. આમ પ્રજામાંથી આવતા ગરીબો, જરૂરત મંદો અને નાના માણસો વચ્ચે તેમના પ્રભાવના કારણે તેમણે 1985 માં અપક્ષ ઉમેદવાર તરીકે અબડાસા વિધાનસભા બેઠક પર ઝંપલાવ્યુ ત્યારે માત્ર 3838 મતો થી તેઓ હાર્યા. પોલીસ અધિકારીઓ સાથે વિવાદો વચ્ચે તેમને મળેલા જન સમર્થનની નોંધ રાજકીય પક્ષોએ લીધી અને ત્યાર બાદ અબડાસા બેઠક પર જીત મેળવવા ઇભલા શેઠનું સમર્થન જરૂરી બની ગયું. ઇભલા શેઠના સમર્થનથી જીત મેળવીને પોતાની કારકીર્દી બનાવનાર નેતાઓ આજે પણ મૌજુદ છે. જેમાં ભાજપ-કોંગ્રેસ પક્ષના નેતાઓ સામેલ છે. જીત મેળવવા માટે ઇભલા શેઠના શરણે ગયેલા નેતાઓનું લાંબુ લિસ્ટ છે. જેમાં 1980 માં ખરાશંકર જોષી, 1990 માં તારાચંદ છેડા, 1995 માં નિમાબેન આચાર્ય, 1998 માં ઇબ્રાહીમ મંધરા, 2012 માં છબિલ પટેલ અને 2014 માં શક્તિસિંહ ગોહિલ ઇભલા શેઠના સમર્થન થકી વિજયી બન્યા હતા. બ્રાહ્મણ, દલિત, ક્ષત્રિય, ભાનુશાળી તેમજ પાટીદાર સમાજના આગેવાનો પણ ઇભલા શેઠની રણનીતિ મુજબ મતદાન કરાવતાં અને તેમના પ્રત્યે આદર ભાવ રાખતા. પોતાના સેવાકીય કાર્યો થકી અબડાસા પંથકમાં “શેઠ” નું બિરુદ મેળવનાર ઇભલા શેઠ તા. 20-7-2014ના રમજાન મહિનાના 21મા રોજે અવસાન પામ્યા. ત્યાર બાદ તેમના પુત્ર ઇકબાલ મંધરા રાજકારણમાં સક્રિય છે. ઇકબાલ મંધરાએ જણાવ્યું કે તેઓ પોતાના મર્હુમ પિતાના વારસાને જાળવી રાખી 2017 માં કોંગ્રેસમાંથી પદ્યુમનસિંહ જાડેજાના વિજયમાં યશભાગી બન્યા છે. લાંબા સમયગાળા સુધી સ્થાનિક મતદારો પર સતત પ્રભાવના કારણે ઇભલા શેઠ અબડાસા બેઠક માટે ખરા અર્થમાં “કિંગ મેકર” જ રહ્યા હતા. ચાર દાયકા બાદ પણ લોકોના માનસ પરથી તેમનું વ્યક્તિત્વ ભુંસી શકાયું નથી, તે વાતને પચાવી ન શકતા ભાજપના નેતાઓ તેમના માટે અશોભનીય વાણી વિલાસ કરી રહ્યા હોવાનું મંધરાએ જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.