જીતુ વાઘાણીએ ઇભલા “શેઠ” માટે અણછાજતી ભાષા વાપરતા EC મા ફરીયાદ
ગાંધીધામ : ભાજપ પ્રદેશ પ્રમુખે કચ્છ મુલાકાતમાં કચ્છ મુસ્લિમ સમાજ અગ્રણી મરહુમ ઇભલા શેઠ માટે અણછાજતા શબ્દ પ્રયોગ કરવા વિરૂદ્ધ વાંધો દર્શાવતા હાજી જુમા રાયમાએ ઇલેકશન કમીશનમા ફરિયાદ નોંધાવી છે. જુમા રાયમાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે ઇભલા શેઠ માટે આવી વાણી વિલાસ કરનાર જીતુ વાઘાણીએ પોતાના અતીતમાં જોવું જોઈએ. જેમનો પોતાનો દિકરો પરીક્ષામાં કોપી કરતો ઝડપાય, પોતા પર પૈસા ઓળવી જવાના આક્ષેપ હોય. જેમના પક્ષ પ્રમુખ તડીપાર હોય તેમજ તેમના કેટલાક નેતા બળાત્કારના આરોપમાં સંડોવાયેલા હોય તેઓએ બીજા પર આક્ષેપ કરતા પહેલા શરમ આવતી જોઇએ. ઇભલા શેઠ કે જેમના ખભા પર બેસી અનેક ધારાસભ્યો બન્યા છે. ખુદ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઇભલા શેઠના પગ પકડી ચાલતા હતા ત્યારે તમે કયાં ગયા હતા. ઇભલા શેઠ અત્યારે દુનીયામા નથી છતા જીતુ વાઘાણી જેવા લોકોને તેમનો નામ ખૂંચે છે તેના પરથી ખ્યાલ આવે છે ઇભલા શેઠનુ વ્યક્તિત્વ કેટલુ મોટું છે. ખરેખર જીતુ વાઘાણી જે બોલ્યા તે પોતાની ખામી બીજામાં જોઈ રહ્યા છે. ઇભલા શેઠ પર મુસ્લિમ સમાજને ગર્વ છે. તેવું હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું.
આ મુદે ઇભલા શેઠના પુત્ર અને અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ મંધરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ગરીબોના દિલમાં જેમનુ સ્થાન હોય તેમના જ ઇતિહાસ લખાય છે જીતુ વાઘાણી જેવા લોકોના ઇતિહાસ નથી લખાતા. આ નિવેદન સામે તેઓ માનહાનીનો દાવો પણ કરશે તેવું જણાવ્યું હતું.