14 મી એપ્રિલે નખત્રાણામાં બામસેફની સભાથી કચ્છમાં રાજકીય ગરમાવો
ભુજ: બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકરની 128મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે બામસેફ દ્વારા આગામી 14મી એપ્રિલે નખત્રાણામાં સભાનું આયોજન કરવામાં આવતા લોકસભા ચૂંટણીના માહોલમાં એકાએક ગરમીનો પારો ઉંચકાઈ ગયો છે.14મી એપ્રિલે નખત્રાણામાં બંધારણ બચાવો લોકશાહી બચાવોના સૂત્ર સાથે બામસેફના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મેશ્રામ આ સભાને સંબોધિત કરશે. દલિત,ઓબીસી,અને લઘુમતીઓના અધિકારના હિમાયતી બામસેફના અધ્યક્ષ વામન મેશ્રામનું સંગઠન બામસેફ કચ્છમાં લાંબા સમયથી સક્રિય છે. ભૂતકાળમાં વામન મેશ્રામના ભાષણોને લઈને વિવાદ અને વિરોધ જાહેરમાં સપાટીએ આવી ગયું હતું.ચૂંટણીના માહોલ વચ્ચે નખત્રાણામાં બામસેફની સભાથી કચ્છમાં રાજકીય પારો વધુ ઉંચકાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.સામાન્ય રીતે 14મી એપ્રિલ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિએ કચ્છમાં સભા કે કાર્યક્રમનું આયોજન થતુ જ હોય છે પણ બરાબર ચૂંટણીના ગરમાવા વચ્ચે કચ્છમાં બામસેફની સભા મુખ્ય રાજકીય પક્ષો માટે નવા સામાજિક સમીકરણો અને પરિબળ ઉભા કરી શકે છે તેવી ચર્ચા કચ્છના રાજકીય આલમમાં ફેલાઈ છે.