અંતે ઘી ના ઠામમાં ઘી પડ્યું : ધર્મસભામાં હાજરીને લઈને PM, MP એ કરી સ્પષ્ટતા
નખત્રાણા : અહીં યોજાયેલી ધર્મસભામાં હૈદરાબાદના ધારાસભ્ય ટી. રાજાસિંહ દ્વારા ઉશ્કેરણી જનક ભાષણને લઈને થયેલા હોબાળા અને સામાજિક બહિષ્કારના વહેતા થયેલા સંદેશાઓ બાદ સાંસદ વિનોદ ચાવડા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આજે નખત્રાણા મધ્યે જાહેર સ્પષ્ટતા કરતા અંતે ઘી ના ઠામમાં ઘી પડી ગયું છે. અને બંને મહાનુભાવો પ્રત્યે મુસ્લિમ સમાજમાં ઉભી થયેલી નારાજગીનો અંત લાવવામાં આવ્યો હતો. નખત્રાણા મધ્યે યોજાયેલી બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા તરફથી બે પ્રતિનિધિઓ અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે રૂબરૂ વાત કરીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા ધર્મસભા બાદ ઉભી થયેલી અસમંજસ ભરી સ્થિતિનો આજે સુખદ નિવેડો લાવવામાં આવ્યો હતો. આ અંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે કોઇ પણ વ્યક્તિ સાથે મારે મન દુખ જેવું કશું હતું જ નહીં વિવિધ કાર્યક્રમોમાં મારી હાજરી ચૂંટાયેલી પ્રતિનિધિ તરીકે હોય છે. તો કચ્છના સાંસદ વિનોદ ચાવડા હાલ દિલ્હી હોવાથી તેમના વતી બે પ્રતિનિધિઓ રાજેશ પલણ અને જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીવાઘેલા ઉપસ્થિત રહયા હતા અને કચ્છમાં સાંપ્રદાયીક ઉશ્કેરણીની ઘટનાઓને દુઃખદ બાબત ગણાવી હતી. સમગ્ર મામલે સાંસદ વિનોદ ચાવડાનો સંપર્ક સાધતા તેમણે થોડી વાર પછી રીપ્લાય આપવાનું કહ્યું હતું, પરંતુ બાદમાં તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. કચ્છના રાજકીય આલમમાં ચર્ચાની એરણે ચઢેલા આ મામલામાં અંતે ઘી ના ઠામમાં ઘી પડી ગયું છે. ઉપસ્થિત તમામ રાજકીય આગેવાનોએ કચ્છની કોમી એકતા કાયમ રાખવા કટિબધ્ધતા વ્યકત કરી હતી.