કચ્છમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનો મામલો ગરમાયો : નખત્રાણા DYSP કચેરી સામે મુસ્લિમોના ધરણા જારી

13,499

નખત્રાણા : થોડા દિવસ પૂર્વે હૈદરાબાદી ધારાસભ્ય ટી રાજાસિંહ ની ઉપસ્થિતીમાં યોજાયેલા ત્રીશુલ દિક્ષા મહોત્સવ અને ધર્મસભા દરમ્યાન મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા ઉચ્ચારણો થયા હતા. ત્યારબાદ મહા શિવરાત્રી નિમીતે માંડવી તાલુકાના ગઢશીસા ગામે યોજાયેલા એક કાર્યક્રમમાં ફરીથી ઉશ્કેરણી જનક ભાષણો અને સૂત્રોચ્ચાર થતા બે જુથ સામ સામે આવી ગયા હતા. પોલીસની સમય સૂચકતાના કારણે મામલો થાળે પડી ગયો હતો. અને કચ્છની કોમી એકતા તોડનારા તત્વો વિરૂદ્ધ પગલા લેવાની પોલીસે ખાતરી આપતા શાંતિનો માહોલ સ્થાપિત થયો હતો. પરંતુ કચ્છમાં લાંબા સમયથી પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરતા મુસ્લિમ સમાજના આગેવાનોએ આ મુદે આકરા પાણીએ લડત ચલાવવાનું મન બનાવ્યું હોય તેવા અહેવાલ મળી રહયા છે. અત્યારે નખત્રાણા ડી. વાય એસ.પી કચેરી સામે મુસ્લિમ સમાજના તમામ લોકો પહોચ્યા છે. અને મુસ્લિમ સમાજ વિરૂદ્ધ ઉશ્કેરણી જનક ભાષણો આપનાર ઇસમો સામે FIR દાખલ કરવાની માંગ કરી રહ્યા છે. પોલીસ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનોને સમજાવવાના પ્રયાસ જારી છે. પરંતુ જયા સુધી પોલીસ FIR ન નોંધે ત્યાં સુધી આ હજારો લોકો Dy. SP કચેરી સામેથી નહી ખસે તેવી ચેતવણી અપાતા આ મામલો વધુ ગરમાયો છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્રાએ વોઇસ ઓફ કચ્છ સાથે વાત કરતા જણાવ્યું કે હજારોની સંખ્યામાં એકત્ર મુસ્લિમ સમાજની માંગ છે કે કોમી વૈમનસ્ય ફેલાવતા ઇસમો વિરૂદ્ધ અત્યારે જ FIR નોંધવામાં આવે. જયાં સુધી FIR નહિં નોંધાય ત્યાં સુધી Dy. SP કચેરી સામે મુસ્લિમ સમાજ ધરણા પર બેસી રહેશે તેમ જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.