હમીદ ભટ્ટી હુમલા પ્રકરણમાં જાણો અત્યાર સુધીનો ઘટનાક્રમ
ભુજ : શહેરના યુવા નેતા અને મુસ્લિમ સમાજ અગ્રણી અહેમદ ભટ્ટીના પુત્ર હમીદ ભટ્ટી પર ગઇ કાલે કચ્છ યુનિવર્સિટીમાં થયેલા જીવલેણ હુમલા બાદ ગઇ કાલે ભુજ શહેરમાં કેટલાક વિસતારોમાં અફરા તફરી બાદ સન્નાટો છવાઈ ગયો હતો. પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા ત્વરીત કાર્યવાહી કરી હતી અને ભટ્ટી અને હિંગોરજા જુથના ચાર-ચાર ઇસમોને રાઉન્ડ અપ કરી લીધા હોવાનું બિન સતાવાર રીતે જાણવા મળી રહ્યું છે. ભુજ શહેર સહિત સમગ્ર કચ્છમાં ચકચારી એવા હુમલાના બનાવ બાદ ગઇ કાલે પ્રત્યાઘાતી પડઘા પડતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે ત્વરીત કાર્યવાહી કરી અત્યાર સુધી ત્રણ FIR નોંધી ભુજ શહેરમાં કાયદો વ્યવસ્થાને ખુલ્લા પડકાર સમાન આ પ્રકરણની સર્વગ્રાહી તપાસ હાથ ધરી છે.
હુમલા બાબતે 12 જણા વિરુદ્ધ FIR
આ હુમલા બાબતે નોંધાયેલ FIR માં જણાવ્યા મુજબ ભુજ શહેરના કેમ્પ એરિયામાં રહેતા સલીમ અનવર માંજોઠીની બહેન રૂકશાના માંજોઠીની હત્યા થયેલ તે હત્યાનો ભેદ ઉકેલવા હમીદ ભટ્ટીએ સલીમ માંજોઠીને સાથ આપેલ જેનું મન દુઃખ રાખી આ હુમલો કરાયો છે. હુમલામાં આરોપીઓએ હમીદ ભટ્ટીને પેટના ભાગે તેમજ પગમાં કુહાડી તથા ધારીયા જેવા ઘાતક હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડેલ છે. તેમજ ફરિયાદી ઇમરાન બકાલીને પાઇપ વડે મુંઢ માર તેમજ સાહેદ પરમીન્દરને તલવાર વડે ઇજાઓ પહોંચાડેલ છે. આ પ્રકરણે પોલીસે આરોપી રઝાક બાફણ, ઇમરાન માંજોઠી, મુજાહીદ હીંગોરજા અને મોહસીન ગાંધી સાથે 8 અજાણ્યા શખ્સો વિરૂદ્ધ IPC કલમ 307, 143, 147, 148, 149, 323, 324 તેમજ જીપી એકટ 135 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે.
પ્રત્યાઘાત રૂપે ભીડગેટ પાસે તોડફોડ
ભુજના પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટી પર હુમલાની વાત ફેલાતા તેમના સંબંધીઓ અને સમર્થકો એકોર્ડ હોસ્પિટલ ધસી ગયા હતા. ત્યાર બાદ ટોળા સ્વરૂપે એકત્ર થયેલા સમર્થકોએ ભીડગેટ નજીક પૂર્વ નગરસેવક મુસ્તાક હિંગોરજાની પાનની કેબીન, હોટલો અને લારીઓમાં તોડફોડ કરતા ભીડગેટ પાસે અફરા તફરી મચી હતી. પોલીસને જાણ થતા ભીડગેટ પર પોલીસના ધાડે ધાડા ઉતર્યા હતા. ગઇ કાલે ભીડગેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તોડફોડની ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો, પરંતુ આ અંગે પોલીસ ફરિયાદ વિશે કોઈ સતાવાર માહિતી મળી નથી.
વિધાર્થી વકીલે અજાણ્યા લોકો સામે નોંધાવી FIR
પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટી પર હુમલા બાદ કચ્છ યુનિવર્સિટી, એકોર્ડ હોસ્પિટલ તેમજ ભીડગેટ વિસ્તારમાં આકરા તાફરી ફેલાઈ હતી. હુમલાના તરત બાદ કચ્છ યુનિવર્સિટીમાં અબડાસાના વિંઝાણ ગામના ઇબ્રાહીમ અલીમામદ કુંભાર જેઓ એમ.એ. સેમ – 2 ની પરીક્ષા આપવા આવેલ. તેમને સફેદ કલરની સ્કોર્પીયો કારમાંથી ઉતરેલા ચાર ઇસમોએ પરીક્ષા ખંડની અંદર આવી “તુંજ છો, સમ ખા” કહીને ખભા અને કોણીના ભાગે તલવારના ઉંધા ઘા મારેલ હતા. ચારેય અજાણ્યા આરોપીઓની ઓળખ યુનિ. સ્કુલના સી.સી. ટીવી ફુટેજ પરથી થઈ શકશે તેવું ફરિયાદીએ જણાવ્યું છે.
હથિયારો સાથે ફરતા 6 જણ ઝડપાયા
ભુજના ચકચારી હુમલા પ્રકરણ બાદ પ્રત્યાઘાત રૂપે કોઈ ગંભીર બનાવ ન બને અને શહેરમાં શાંતિ જળવાઇ રહે તે માટે પેટ્રોલીંગ દરમ્યાન ઘાતક હથિયારો સાથે 6 જણાને ઝડપી પોલીસ ખુદ ફરિયાદી બનીને પગલા લીધા હતા. પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ભુજીયાની તળેટીમાં આત્મારામ સર્કલ રોડ પર મહિન્દ્રા જીપમાં કુહાડી અને પ્લાસ્ટીકની ક્રિચ જેવા હથિયારો સાથે અલ્તાફ અબ્દુલ મોખા, મામદ ઓસમાણ સમા, ઇસ્માઇલ તારમામદ ચાકી, રહેમતુલ્લા ભચુ સુમરા, અબ્દુલ્લા હાસમ સમા, જાવેદ હુશેન જીએજાને ઝડપી લઈ જીપી એકટની કલમ 135 મુજબ કાર્યવાહી કરી હતી.