માધાપરમાં વીજ ધાંધીયા : વિકાસની વાતોની “હવા” વચ્ચે “પાવર” વગરની PGVCL
માધાપર : ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે વિકાસની વાતોના વડા પીરસીને મત માંગવા નેતાઓ નિકળી પડશે પરંતુ ધરાતલ ઉપર વાસ્તવિકતા કાંઈક જુદી જ છે. ઉદાહરણ લઈએ તો ભુજના પરા સમા અને સમૃદ્ધ ગામ માધાપરના લોકો વીજ કંપનીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ત્રણેક દિવસથી દર કલાકેને કલાકે વીજ પુરવઠામાં વિક્ષેપના કારણે ધાંધા રોજગાર તથા ગૃહીણિઓને પણ અતિ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે અને તે પણ વીજ કંપનીના પાપે. અવાર-નવાર મેઈન્ટેનન્શના બહાના હેઠળ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે. ઉનાળાની હજી શરુઆત છે ત્યાં આવી હાડમારી વેઠવી પડે છે તો આગળના દીવસોમાં શું હાલત થશે તેવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે માધાપર જેવા ગામમાં વિજળીની આવી ગંભીર સમસ્યા છે તો અન્ય ગામેની પરિસ્થિતિ તો કલ્પના જ કરવી રહી. વીજ કંપની કોઈને દાદ આપતી નથી અને નેતાઓને પોતાના રાજકીય રોટલા શેકવામાંથી ફુરસત મળતી નથી કે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવે. આવનારા દીવસોમાં વિકાસના નામે મત માંગવા આવતા નેતાને પ્રજા જાકારા રુપી ‘ઝાટકો’ આપે તો નવાઈ નહીં.