કચ્છ-મોરબી લોકસભા બેઠક માટે ભાજપે “ચોકીદાર” વિનોદ ચાવડાને રીપીટ કર્યા
ભુજ : લોકસભા ચુંટણીનો નગારે ઘા પડ્યા બાદ આજે ભાજપે પોતાના 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, તેમા કચ્છ-મોરબી લોકસભા સીટ પર ભાજપના યુવા સાંસદ વિનોદ ચાવડાને રીપીટ કરવામાં આવ્યા છે. આજે ભાજપે જાહેર કરેલી યાદીમાં વિનોદ ચાવડાનું નામ આપતા તેમની વાપસીને લઈને થઈ રહેલી અટકળોનો અંત આવ્યો છે. જુદા જુદા સમીકરણો અને ભારે રાજકીય ઉથલ પાથલ વચ્ચે અંતે વિનોદ ચાવડાના નામ પર ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વએ પસંદગીની મ્હોર મારતા યુવા વયે સાંસદ બનેલા વિનોદ ચાવડા કચ્છમાંથી બીજી વખત લોકસભા ચૂંટણી લડવા જઇ રહ્યા છે. કચ્છ ભાજપના સંગઠનમાં પોતાની અલગ ઇમેજ ધરાવતા વિનોદ ચાવડાનું નામ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગુડબુકમાં હોવાનું મનાય છે. કચ્છમાં છેલ્લે જંગી સભાને સંબોધન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિનોદ ચાવડાનો ઉલ્લેખ વિશિષ્ટ રીતે કર્યો ત્યારે જ કચ્છ ભાજપમાં વિનોદ ચાવડા રીપીટ થવાની શકયતાઓ વિશે ચર્ચાઓનો દોર ચાલ્યો હતો, દરમ્યાન સામાજિક સમીકરણોને ધ્યાને લેતા વિનોદ ચાવડા સિવાય અન્ય નામો પણ સપાટી પર આવ્યા હતા. પરંતુ ભાજપની વિધિવત જાહેરાત પછી તમામ અટકળોનો અંત આવ્યો છે.