“બાવાના બેય બગડ્યા” : ભડકાઉ ભાષણોમાં હાજરી આપવા બદલ કચ્છના સાંસદ અને ધારાસભ્યનો સામાજિક બહિષ્કાર
ભુજ : થોડા દિવસો અગાઉ નખત્રાણાના બજરંગ ગ્રાઉન્ડ મધ્યે યોજાયેલ ધર્મસભામાં હૈદરાબાદના ધારાસભ્ય ટી. રાજાસિંહ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહની હાજરીમાં કેટલાક વકતાઓએ મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા વકતવ્યો આપ્યા હતા. જેને લઈને અબડાસા લખપત અને નખત્રાણા તાલુકામાં હોબાળો મચી ગયો છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ સહિત મુસ્લિમ આગેવાનોના નેજા તળે નખત્રાણા Dy. Sp કચેરીનો ઘેરાવો કરી વિવાદાસ્પદ કાર્યક્રમના આયોજકો સામે FRI નોંધાવ્યા બાદ અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને સાંસદ વિનોદ ચાવડા વિરૂદ્ધ મુસ્લિમ સમાજમાં નારાજગીનુ મોજું તીવ્ર બની રહ્યું છે. અબડાસા તાલુકાના યુવા મુસ્લિમ અગ્રણી ઇકબાલ મંધરાએ આ અંગે વાત કરતા જણાવ્યું કે ત્રણેય તાલુકાના કોઈ પણ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યને આમંત્રણ ન આપવા તેમજ તેમના કોઈ પણ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજ હાજરી નહી આપે તેવો નિર્ણય લેવાયો છે. તેને અમારો જાહેર ટેકો છે. રાજકીય સ્વાર્થ કરતા અમારા માટે મુસ્લિમ સમાજની લાગણી સર્વોપરી હોવાનું તેમણે જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે આગામી દિવસોમાં મુસ્લિમ સમાજની નારાજગી ધારાસભ્ય અને સાંસદ બંનેની રાજકીય કારકીર્દીને નુકશાન પહોંચાડે તેવી પુરી શક્યતા છે. મુસ્લિમ વસ્તીની દ્રષ્ટીએ ગુજરાતમાં કચ્છ જિલ્લો પ્રથમ ક્રમે છે, ત્યારે સામાજિક બહિષ્કારની નારાજગી રૂપી આગ અન્ય તાલુકાઓમાં પ્રસરે તો સાંસદ વિનોદ ચાવડા માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. અબડાસામાં કેટલાક કાર્યક્રમોમાં બંને મહાશયોના નામ અતિથિ વિશેષ તરિકે છેલ્લી ઘડીએ ભુંસાઇ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.