અચાનક વિરાંગના સ્મારકે પહોંચેલા રિટાયર્ડ આર્મી ઓફિસરે કહ્યું, શહીદોના નામ વાંચીને ધર્મ શોધજો…!!
ભુજ : માધાપર નવાવાસ મધ્યે વિરાંગના સ્મારકે યોજાયેલા શહીદોને શ્રધ્ધાંજલિના ચાલુ કાર્યક્રમ વચ્ચે રોડ પરથી એક રિટાયર્ડ આર્મી ઓફિસરે સળગતી મીણબત્તીઓ અને લોકોની મેદની જોઈ તરત જ પોતાની ગાડી રોકી અને પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા દેશના ૪૦ સપૂતોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા અને કાર્યક્રમના સંચાલક અરજણ ભુડીયા પાસેથી માઈક લઈને સ્પીચ આપવા ઉભા થયા.એ નિવૃત જવાનનું નામ જાણી નથી શકાયું પરંતું તેમના સંબોધન દરમ્યાન ઉપસ્થિત જન મેદનીના લાગણીવશ રૂંવાડા ઉભા થઈ ગયા.આર્મી ઓફિસરે કહ્યું,
ગમ અને ગુસ્સો બિલકુલ વ્યાજબી છે, પરંતું એક વિનંતી કરૂં છું…મહેરબાની કરીને આ ઘટનાને કોઈ ધર્મ, જાતિ કે સંપ્રદાય સાથે ન જોડશો.દેશની એકતા પર આંચ આવે તેવું કોઈપણ કૃત્ય ન કરશો…હજી આપણા શહીદ જવાનોના નામ પણ સામે નથી આવ્યા, પણ મને વિશ્વાસ છે..દેશ કાજે શહીદ થયેલા વીર સપૂતોમાં મુસ્લિમ હશે, શીખ હશે, અને અન્ય જાતિઓના સપૂત પણ હશે…આર્મી ઓફિસરની અંતરની લાગણી સાચી ઠરી અને આજે શહીદોના નામો જાહેર થયા, તેમાં હિન્દુ, મુસ્લિમ,શીખ સહિત વિવિધ જાતિઓના વીરોના નામ મૌજુદ છે.ધર્મના નામે આતંક ફેલાવતા આતંકી આકાઓને ભારતની એકતાનો પરચો પણ મળી ગયો છે અને દેશભરમાં વિવિધ ધર્મ-સમાજના લોકો પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાડી પાકિસ્તાની ધ્વજ સળગાવી રહ્યા છે.