વિચારધારાની જંગમાં રાજકારણ-સમાજ વચ્ચે ભેખડે ભરાયા સાંસદ વિનોદ ચાવડા
ભુજ : જયારે જયારે રાજકીય દંગલ સર્જાય અને તેમાં પણ મુદો પોતાના સમાજને સ્પર્શતો હોય. એ સમય રાજકીય નેતાઓ માટે આકરી પરીક્ષાનો હોય છે. એક તરફ રાજકીય કારકિર્દી અને બીજી તરફ પોતાનો સમાજ હોય ત્યારે માર્ગ તલવારની ધાર પર ચાલવા સમાન બની જતો હોય છે. કંઇક આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા. હસમુખી, મિલનસાર અને વિકાસ કાર્યો થકી કચ્છમાં વિશાળ ચાહક વર્ગ ધરાવતા સાંસદ વિનોદ ચાવડા સતાપક્ષના જૂથવાદથી લઈને વિવાદાસ્પદ મુદાઓથી હંમેશા કિનારો કરતા રહે છે. પરંતુ વિવાદાસ્પદ મુદાઓ જયારે રાજકારણની એરણે ચઢે ત્યારે કચ્છના યુવા સાંસદ રીતસરના ભેખડે ભરાઇ જતા હોય છે. આ વાત છેડાઇ છે એટલા માટે કે રાપરમાં એક સંગઠનના વિરોધ પ્રદર્શનમાં દલિત નેતાઓ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ થયો, તેમાં સાંસદ વિનોદ ચાવડાના નામોલ્લેખ સાથે રાપર પોલીસ સ્ટેશનની બહાર, પોલીસની હાજરીમાં જ એક શખ્સે પોતાના ઉગ્ર ભાષણમાં અન્ય નેતાઓની સાથે સાંસદ વિનોદ ચાવડા માટે ન છાજે તેવી અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો હતો, જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં રાજકીય ચર્ચા જાગી છે. જો કે, પોલીસની હાજરીમાં બોલાયેલા અપશબ્દોની સાંસદે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. અગાઉ ઉનાકાંડ બાદ સર્જાયેલા રાજકીય ગરમાવા વચ્ચે ભુજની રેલીમાં સાંસદ વિશે બેનરો પર અપશબ્દો લખાયા હતા, ત્યારબાદ સાંસદના સમર્થકોએ હોબાળો કરતાં સામાજીક આગેવાનોએ બાજી સંભાળી લીધી હતી. હવે લોકસભા ચૂંટણીના ભણકારા વચ્ચે દેશનું બંધારણ, એટ્રોસીટી કાયદો, અનામત વગેરે મુદા ચર્ચામાં છે ત્યારે રાપરમાં વિનોદ ચાવડા પર વ્યકિતગત પ્રહાર થતાં રાજકારણ ગરમાયું છે.
આ સમગ્ર મામલે ‘વોઇસ ઓફ કચ્છ’ દ્વારા સાંસદ વિનોદ ચાવડાનો સંપર્ક કરાતા તેમણે કહ્યું કે મે એ વિડીયો જોયો છે. એ વ્યક્તિ પોતાના વિચારો પ્રગટ કરે છે તેના સાથે મારે કોઈ લેવા દેવા નથી. જેણે અપશબ્દો બોલ્યા એમનુ કર્મ-ધર્મ જાણે. હું જાહેર જીવનમાં રહી લોકોની સેવા કરી રહ્યો છું.