માધાપર ગાયત્રી મંદિર રોડના મકાનો કપાતમાં જાય તે પહેલા “કમાવી લેવા” બિલ્ડરોની હોડ: ભાડા નિદ્રાધીન
ભુજ : શહેરના પરા સમાન માધાપરનો વિકાસ કૂદકેને ભૂસકે થઈ રહ્યો છે ત્યારે માધાપરના વિકાસ માટે ભુજ-માધાપર વચ્ચે યક્ષ મંદિર પાસેનો રોડ ભવિષ્યમાં પહોળો કરવા આ રોડને ડીપી પ્લાન હેઠળ મૂકવામાં આવ્યો છે, જેમાં બાંધકામની નવી ગતિવિધિઓ તેજ થઈ છે. કપાતની કામગીરી થાય, તે પૂર્વે કમાવી લેવા બિલ્ડર લોબીએ રીતસરની પડાપડી કરી હોવાનું ચિત્ર દેખાઈ રહ્યું છે તો બીજી તરફ ભાડાના અધિકારીઓ પણ બંને આંખો મીંચીને બેઠા હોય તેમ ડીપી વિસ્તારમાં કોમર્શીયલ બાંધકામોને રોકવા જરા પણ તસ્દી લેવાઈ રહી ન હોવાથી ગામના જાગૃતો કૂતુહલવશ જોઈ રહ્યા છે. આવા કેટલાક ગેરકાયદેસર બાંધકામ પ્રકરણે 2015 થી લઈને હાલ સુધી અનેક ફરિયાદો ભાડામાં કરવામાં આવી છે પણ નોટીસ કર્યા પછી ભાડાના અધિકારીઓ મૌન પાછળ ભ્રષ્ટાચાર જવાબદાર હોવાની ફરિયાદો પણ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે. ઉચ્ચ કક્ષાએ થી પણ કોઈ યોગ્ય કાર્યવાહી ન કરાતા આ ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડરો ને છાવરવાના કાર્યમા ગામના તલાટી, ભાડાના અધિકારીઓ થી લઈને ઉચ્ચ અધિકારીઓ પણ સંડોવાયેલ હોય તેવું જણાઈ રહ્યું છે. હાલમાં માધાપરના યક્ષ મંદિર રોડ પર ત્રણેક જેટલા બાંધકામોનો ધમધમાટ જારી છે.એક રહેણાંક મકાનનો તો થોડો થોડો ભાગ તોડીને તેમાં દૂકાનો બનાવી નાખવા ચૂપચાપ ધીમીએ ગતિએ ભુજના દિલ્હી વાલા કોમ્પલેક્ષની જેમ બિલ્ડરોએ “કમાવી” લેવાનો પ્લાન ઘડી લીધો હોવાની વાત માધાપરમાં લોકજીભે ચર્ચાઈ રહી છે. આવા બાંધકામો સામે અરજદાર દ્વારા કરેલ અનેક ફરિયાદોમાં આક્ષેપ કરાયો છે કે ગાંધીજી સર્કલથી માધાપર સુધીનો રોડ સરકારે ડેવલપમેન્ટ પ્લાનમાં નાખ્યો છે. તેમ છતા અહીં બાંધકામોની વણઝાર સર્જાઈ છે. જોકે સરકારના સૂચિત ડેવલપમેન્ટ પ્લાન પૂર્વે બિલ્ડરોનો પ્લાન સફળ થતો દેખાતા જાણકાર વર્ગમાં આશ્ચર્ય ફેલાયું છે. આ પ્રકરણે 2015 થી સતત ફરિયાદો છતા તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન આવતા આ સમગ્ર પ્રકરણમાં અરજદાર દ્વારા કોર્ટના દ્વારા ખખડાવાય તેવું જાણવા મળેલ છે.